ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને મિત્રો કામેથી પરત ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો. ત્રણ બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં રૂતુભૂમિ વિસ્તારમાં રહેતો ધર્મેશ રાજુભાઇ વાઘેલા (ઉ.વ.25)અને પોપટપરા વિસ્તારમાં રહેતો તેનો મિત્ર કુલદિપ હિતેશભાઇ પરમાર (ઉ.વ.21) બંન્ને ગત તા.30ના રાત્રે 12 વાગ્યાના અરસામાં મજૂરી કામ કરી બાઇક લઇ પરત ઘરે જતા હતા. ત્યારે ચોટીલામાં ચાંમુડા આવાસ સામે બંધ પડેલા ટ્રકમાં બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંન્ને મિત્રોને ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પંરતુ ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશનું મોત નીપજ્યુ હતું.

જયારે કુલદિપની તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ધર્મેશ ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હોવાનુ જાણવા મળ્યુ છે. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.