Site icon Gujarat Mirror

ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો

મોટા અવાજે બાઈક ચલાવનાર શખ્સની ફરિયાદ કરતાં માર માર્યો

ગોંડલ શહેરમાં પોલીસને મદદ માટે ફોન કરવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ ફરિયાદીના ઘર પાસે બાઇકનું એન્જિન જોરથી ફેરવી લીવર મારી અવાજ કરવા બાબતે થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.

ગોંડલની આવાસ યોજના કોલોનીમાં રહેતા જાવુદીનભાઇ ચાંદભાઇ મોરી (ઉ.વ. 28) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તારીખ 16 એપ્રિલ 2026 ના રોજ વહેલી સવારે આશરે 04:30 વાગ્યે આ ઘટના બની હતી. ફરિયાદી જ્યારે પોતાના ઘરે સુતા હતા ત્યારે પાડોશમાં રહેતા નવાજ ઉર્ફે ‘લાંબો’ નામના શખ્સે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જાવુદીનભાઇએ દરવાજો ખોલતા જ નવાજ ઉર્ફે લાંબો ગાળો દેવા લાગ્યો હતો. આરોપીનો આક્ષેપ હતો કે અગાઉ જ્યારે તે પોતાના મોટરસાયકલ પર જાવુદીનભાઇના ઘર પાસેથી લીવર મારતો નીકળ્યો હતો, ત્યારે જાવુદીનભાઇએ કેમ પોલીસ કંટ્રોલ રૂૂમમાં 112 નંબર પર ફોન કરીને તેની જાણ કરી હતી.

બોલાચાલી દરમિયાન જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપી નવાજે નજીકમાંથી લોખંડનો સળીયો ઉઠાવી જાવુદીનભાઇ ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ગોંડલ પોલીસે આરોપી નવાજ ઉર્ફે લાંબો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2) , 296(બી) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version