ક્રાઇમ
વાંકાનેર નજીકથી યુવાનનું અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચોટીલા પાસેથી મુકત કરાવ્યો
યુવાનની પૂછપરછમાં વ્યાજખોરોનો બનાવ સામે આવ્યો, ત્રણ શખ્સોની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવતા મનડાસર ગામનો 35 વર્ષીય યુવાન લીલાભાઈ કાળુંભાઈ ભુંડિયા અને પ્રવીણ નામનો યુવાન તેની કાર લઈને વાંકાનેર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન તાલુકાના લુણસર ગામ નજીક રાત્રીના સમયે સ્કોર્પિયો કાર આગળથી ભટકાડી કાર રોકાવી હતી અને ધોકા સાથે ધસી આવી લીલાભાઈનું અચાનક ફિલ્મી ઢબે અપહરણ કરી કારમાં લઇ ગયા હતા. જ્યારે પ્રવીણ નામનો યુવક ડરનો માર્યો કારમાંથી નીકળી ગયો હતો. પ્રથમ સરા ગામ તરફ લઇ ગયા બાદ કારમાં તેને આખી રાત ફેરવ્યો હતો.
સવારે યુવકની ઊંઘ ઊડી તો તે લીંબડી તાલુકાની કોઈ સીમમાં હતો. જે બાદ આરોપીઓ દ્વારા અગાઉ આપેલા 30 લાખમાંથી બાકીના 20 લાખ ચૂકવી દેવા ધમકી આપી હતી. આ દરમિયાન યુવકે રકમ માટે પહેલા ઘરે પહોંચાડો અથવા તેના ભાઈને ફોન કરી જાણ કરવાનું કહેતા શખસો ફરી કારમાં વાંકાનેર તરફ લઇ આવ્યા હતા. બીજી તરફ યુવકના અપહરણ અંગેની વાંકાનેર પોલીસને ફરિયાદ મળતા વાંકાનેર અને હળવદ પોલીસની સંયુક્ત ટીમ બનાવી યુવકને છોડાવવા પ્રયાસ કર્યા હતા. દરમિયાન ચોટીલા નજીક વાંકાનેર પોલીસની ટીમે આ કારને પકડી યુવકને અપહરણકારો પાસેથી છોડાવ્યો હતો. અને ત્રણ શખસને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા પોતાના નામ હળવદ તાલુકાના ખેતરડી ગામના ખોડાભાઈ રણછોડભાઇ સેફાત્રા, ગોપાલભાઇ ગેલાભાઇ સેફાત્રા તેમજ ત્રીજા આરોપીનું નામ હળવદ તાલુકાના ચૂંપણી ગામના મેલાભાઇ હમીરભાઇ સેફાત્રા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. જે કારમાં તેનું અપહરણ કર્યું હતું તે કાર પણ જપ્ત કરી તમામ વિરૂૂદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અપહ્યત લીલાભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેને 2015માં આરોપી ખોડા સેફાત્રા પાસેથી રૂૂ.30 લાખ વ્યાજે લીધા હતા. જે રકમ નોટબંધી વખત ચૂકવી દીધા હતા.તેમ છતાં આરોપીઓ દ્વારા ફરીવાર તેની પાસેથી ઉઘરાણી કરી અપહરણ કરી ઢોર માર માર્યો હતો.