કેશોદમાં માતાની સારવાર અને બહેનના લગ્નની ચિંતામાં યુવાનનો આપઘાત

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના મધુસુદન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ. મૃતક યુવકની ઓળખ ધવલકુમાર રામકૃષ્ણ લશ્કરી તરીકે થઈ…

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના મધુસુદન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ. મૃતક યુવકની ઓળખ ધવલકુમાર રામકૃષ્ણ લશ્કરી તરીકે થઈ છે. ઘરના સભ્યોને આ અંગેની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ કરુણ ઘટનાને લઈને આસપાસના રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો મૃતકના નિવાસસ્થાને એકઠા થયા હતા.
પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધવલકુમાર લશ્કરી છેલ્લા છ મહિનાથી ભારે માનસિક તણાવ હેઠળ હતા. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હોવાના કારણે તેઓ રોજબરોજની જરૂૂરિયાતો અને ખર્ચને લઈને ચિંતિત રહેતા હતા. નાણાકીય ભીડના કારણે તેમનો માનસિક ભાર સતત વધી રહ્યો હતો અને તેઓ અંદરથી ભાંગી પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આર્થિક સંકડામણની સાથોસાથ પરિવારની અન્ય જવાબદારીઓ પણ તેમના પર હતી. ધવલકુમારના માતા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવાથી તેમની સારવારનો ખર્ચ અને તબિયતની ચિંતા તેમને સતત કોરી ખાતી હતી. બીજી તરફ ઘરમાં બહેનના લગ્ન પણ નજીક આવી રહ્યા હોવાથી લગ્ન પ્રસંગની તૈયારીઓ અને ખર્ચને લઈને પણ તેઓ ભારે માનસિક દબાણ અને તણાવમાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
એકસાથે અનેક મુશ્કેલીઓ અને ચિંતાઓનો સામનો કરી રહેલા ધવલકુમારે આખરે હતાશામાં આવીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા માટે ખસેડ્યો હતો.