Site icon Gujarat Mirror

ગૃહકંકાસને કારણે નશાની હાલતમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગોંડલમાંથી એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય ઉમેશભાઈ ભીખુભાઈ રાઠોડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોહનનગર વિસ્તારમાં રહેતા ઉમેશભાઈએ ગઈકાલે બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

ઘટનાની વિગતો મુજબ, મૂળ ડુંગરા ગામના વતની ઉમેશભાઈ ગોંડલની સોમનાથ હોટલમાં નોકરી કરતા હતા. તેઓ તાજેતરમાં જ પત્ની શિતલબેન, 14 વર્ષની પુત્રી અને 8 વર્ષના પુત્ર સાથે મોહનનગરમાં ભાડે રહેવા આવ્યા હતા. બનાવ સમયે પત્ની પુત્રને લેવા માટે વતન વાળા ડુંગરા ગયા હતા. દરમિયાન, 14 વર્ષની પુત્રી જ્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ શાળાએથી ઘરે પરત ફરી ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. સામાન્ય રીતે ઉમેશભાઈ બપોરે 3 વાગ્યે કામે નીકળી જતા હોય છે, પરંતુ દરવાજો બંધ હોવાથી દીકરીએ બારીમાંથી તપાસ કરી હતી. બારી ખોલીને જોતા જ પિતાને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોઈ દીકરી ડઘાઈ ગઈ હતી અને તેણે તુરંત પડોશીઓને જાણ કરી હતી.

પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી આવ્યા બાદ દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું કે ઉમેશભાઈને નશાની આદત હતી અને ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો, જે સંભવત: આ આત્મઘાતી પગલા પાછળનું કારણ હોઈ શકે છે. જોકે, પરિવારે કોઈ પણ પ્રકારની શંકા વ્યક્ત કરી નથી, તેમ છતાં શરીરે જોવા મળેલા ઈજાના નિશાનોને કારણે પોલીસ સતર્ક બની છે. ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Exit mobile version