અંજારમાં આડાસંબંધમાં ધોળે દિવસે છરીના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા

કચ્છના અંજાર શહેરમાં ગંગાનાકા પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર સાંજના સમયે લોહિયાળ ખેલ ખેલાયો હતો. અંજાર પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ, મુસ્તાકભાઈ જુમાભાઈ મન્સુરી…

કચ્છના અંજાર શહેરમાં ગંગાનાકા પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર સાંજના સમયે લોહિયાળ ખેલ ખેલાયો હતો. અંજાર પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ, મુસ્તાકભાઈ જુમાભાઈ મન્સુરી નામના યુવકની ધોળા દિવસે છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 103(1), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી કાસમભાઈ જુમાભાઈ મન્સુરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અને જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક મુસ્તાકભાઈને આરોપી અસલમ સમાની પત્ની સાઈના સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતની અદાવત અસલમ સમા રાખી રહ્યો હતો. આ વેરને કારણે જ આરોપીએ તેના સાથીદાર સાથે મળીને મુસ્તાકભાઈને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તારીખ 16 એપ્રિલ 2026 ના રોજ સાંજના આશરે 18:00 વાગ્યે મુસ્તાકભાઈ ગંગાનાકા પાસેના એચ.પી. કંપનીના બી.એમ. પેટ્રોલ પંપ પર હાજર હતા. તે સમયે અસલમ સમા અને એક અજાણ્યો શખ્સ મોટર સાયકલ પર ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ મુસ્તાકભાઈ પર ઓચિંતો હુમલો કરી, તેમની પીઠના ભાગે તથા ખભા અને ગળાની વચ્ચે છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ બંને શખ્સો મોટર સાયકલ પર સવાર થઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મુસ્તાકભાઈને તાત્કાલિક અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના ભાઈ કાસમભાઈ, જેઓ વ્યવસાયે રીક્ષા ચાલક છે, તેમને આ ઘટનાની જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટના સમયે ત્યાં હાજર રહેલા સાક્ષીઓ ઇકબાલ શેખ, રમઝાન કુંભાર અને કિશોર કોલીએ જણાવ્યું હતું કે મુસ્તાકને કોઈનો ફોન આવતા તે ચાની હોટલથી પેટ્રોલ પંપ તરફ ગયો હતો અને ત્યારે જ આ હુમલો થયો હતો. હાલમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ આ કેસની સઘન તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.