કચ્છ
કચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણ
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો. ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમનોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાઉ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 25મી નવેમ્બર સોમવારની રાતે ભુજનો ઓમ ડાભી નામનો બુકી પ્રસિધ્ધ જગ્યાના બાપુની પુખ્ત વયની દીકરીને ઉઠાવી ગયો હતો. જેને પગલે પોલીસમાં દીકરીની ગુમનોંધ પણ કરવામાં આવી હતી. પોલીસે તાબડતોડ આ કિસ્સામાં તપાસ શરુ કરીને ટેક્નિકલ સર્વેલન્સ સક્રિય હતું. જેને પગલે બુકી ઓમનું લોકેશન વલસાડ જિલ્લામાં મળી આવતા પોલીસે બંનેને દબોચી લીધા હતા. ગુમનોંધ અને ભચાઉ પોલીસની ટીમ વલસાડ ગઈ હોવા અંગે જયારે ભચાઉ ડિવિઝનના ડેપ્યુટી એસપી સાગર સાંબડાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને સમગ્ર મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ થઇ હોવાનું અને ભચાઉની ટીમ વલસાડ ગઈ હોવાનું જણાવ્યું હતું.