કેન્દ્ર સરકાર વાહન વ્યવહાર અને ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓમાં મોટો ડિજિટલ ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના અન્વયે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા 50 વર્ષની ઉંમર સુધી વધારવાની અને વાહનની માલિકી ટ્રાન્સફર તેમજ પરમિટ રિન્યુઅલ જેવી પ્રક્રિયાઓને સંપૂર્ણપણે ઓનલાઇન કરવાની વિચારણા ચાલી રહી છે. આ ફેરફારથી લાખો વાહન માલિકો અને ડ્રાઇવરોને મોટી સુવિધા મળશે અને આરટીઓની મુલાકાતોમાં ઘટાડો થશે.
વર્તમાન વ્યવસ્થા અનુસાર ડ્રાઇવિંગ લાઇસન્સ સામાન્ય રીતે 20 વર્ષ માટે માન્ય રહે છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય હવે એક મહત્વની દરખાસ્ત પર વિચાર કરી રહ્યું છે જેમાં લાઇસન્સ ધારકની ઉંમર 50 વર્ષ થાય ત્યાં સુધી તેની માન્યતા લંબાવવામાં આવે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલું નાગરિકો માટે પ્રક્રિયાઓને સરળ બનાવવા અને લાઇસન્સ રિન્યુઅલ સાથે જોડાયેલા કાગળી કાર્યવાહીમાં ઘટાડો કરવા માટે લેવામાં આવી રહ્યું છે. આ વ્યાપક પહેલનો ભાગ છે જે જાહેર સેવાઓને વધુ અનુકૂળ બનાવવા તરફ લક્ષ્ય રાખે છે.
મંત્રાલય વાહનની માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલને સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પૂર્ણ કરવાની બીજી મહત્વની દરખાસ્ત પર કામ કરી રહ્યું છે. જો આ અમલમાં આવશે તો વાહન માલિકોને આરટીઓની વારંવાર મુલાકાત લેવાની જરૂૂર પડશે નહીં. આ પહેલથી નાગરિકો તેમજ પરિવહન વિભાગ બંનેનો સમય અને પરેશાની બચશે.
