Site icon Gujarat Mirror

WPL, ગુજરાત જાયન્ટ્સનો દિલ્હી કેપિટલ્સ સામે 4 રનથી રોમાંચક વિજય

WPL 2026 માં, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક મેચમાં ચાર રનથી વિજય મેળવ્યો છે. આ મેચમાં બેટિંગ કરતા ગુજરાતે 209 રન બનાવ્યા હત, જેની સામે દિલ્હી કેપિટલ્સ ફક્ત 205 રન જ બનાવી શક્યું હતું. અંતિમ ઓવરમાં જીતવા માટે માત્ર સાત રનની જરૂૂર હતી, પરંતુ દિલ્હી કેપિટલ્સ ફક્ત બે જ રન બનાવી શક્યું હતું. આમ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી મેચ રસાકસીભરી રહી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી લિઝેલ લી અને લૌરા વોલ્વાર્ડે શાનદાર બેટિંગ કરી હતી. લિઝેલ 54 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને 86 રન બનાવ્યા હતા. તે બાદ લૌરાએ 77 રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય, અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહતા. દિલ્હી કેપિટલ્સને અંતિમ ઓવરમાં જીતવા માટે માત્ર સાત રનની જરૂૂર હતી, જે પૂરા કરવામાં ફાંફાં પડી ગયા હતા.

ગુજરાત જાયન્ટ્સ તરફથી સોફી ડિવાઈને અંતિમ ઓવર ફેંકી હતી, અને લૌરા વોલ્વાર્ડે પ્રથમ બોલ પર એક સિંગલ રન લીધો હતો. દિલ્હીની કેપ્ટન જેમીમા રોડ્રિગ્ઝ બીજા બોલ પર આઉટ થઈ ગઈ હતી. મેરિઝેન કેપ ત્રીજા બોલ પર એક પણ રન બનાવવામાં નિષ્ફળ રહી હતી. પછી, તેણીએ ચોથા બોલ પર એક રન બનાવ્યો હતો. ડિવાઈને પાંચમા બોલ પર સારી બેટિંગ કરી રહેલી લૌરાને આઉટ કરી દીધી હતી. છેલ્લા બોલ પર કોઈ રન બનાવી શક્યું નહતું. પરિણામે, દિલ્હી ઓવરમાં ફક્ત બે રન બનાવી શક્યું, અને ચાર રનથી મેચ હારી ગયું હતું.

ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 209 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનર બેથ મૂની 19 રન બનાવીને મોટી ઇનિંગ રમી શક્યા નહતા. જો કે, સોફી ડિવાઈન અને એશ્ર્લે ગાર્ડનરે ત્યારબાદ મેદાન પર જોરદાર બેટિંગ કરી હતી. સોફીએ 42 બોલમાં 95 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગાર્ડનરે 26 બોલમાં 49 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સ માટે નંદિની શર્માએ શાનદાર બોલિંગ કરી, હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી. તેણે 20મી ઓવરમાં હેટ્રિક લીધી હતી.

 

Exit mobile version