અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ અમદાવાદનું નામ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીને નામ આપવામાં આવ્યું છે, પરંતુ એ પહેલાં અમદાવાદના આંગણે એક અનોખી વિશ્વ સ્પર્ધાનું આયોજન થવાનું છે અને એ દિવસ હવે બહુ દૂર નથી. આગામી ચોથી જૂને અમદાવાદમાં વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ શરૂૂ થશે જે આઠમી જૂન સુધી ચાલશે.
આ અનોખી ચેમ્પિયનશિપમાં કુલ 60 દેશના 529 ઍથ્લીટ ભાગ લેશે અને એમાંના 114 ભારતનાં છે. નેપાળ, શ્રીલંકા, નેધરલેન્ડ્સ, ઓમાન, જાપાન, કેન્યા, મોરિશ્યસ વગેરે દેશોના ઍથ્લીટો ભારત આવી રહ્યા છે. વય-આધારિત છ કેટેગરીમાં કુલ મળીને 12 પ્રકારની ઇવેન્ટ યોજાશે. મેન્સ અને વિમેન્સ વર્ગમાં 10 વર્ષથી માંડીને પંચાવન વર્ષની ઉંમરના સ્પર્ધકો ભાગ લેશે. આર્ટિસ્ટિક તથા રિધમિક યોગાસનની સ્પર્ધામાં પોઇન્ટ સિસ્ટમને આધારે નવ જજ દ્વારા વિજેતાઓ નક્કી કરાશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનના ઍથ્લીટો આ સ્પર્ધામાં નહીં જોવા મળે. ભારતીય સ્પર્ધકો માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું હતું. હાલમાં તેઓ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ અહીં વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપના લોન્ચિંગને લગતા પ્રસંગે કહ્યું, ‘2030ની અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસન પરંપરાગત રમત તરીકે સામેલ કરાશે. આપણે 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ દાવો કર્યો છે અને એમાં પણ આપણી આ મહાન વિદ્યા પર આધારિત રમતનો સમાવેશ કરાશે. 2036 સુધીમાં યોગાસનને ઑલિમ્પિક સ્પોર્ટ તરીકેની માન્યતા મળે એ માટે કેન્દ્ર સરકાર તેમ જ રાષ્ટ્રીય મહામંડળ (યોગાસન ભારત) પ્રયત્નશીલ છે.
