Site icon Gujarat Mirror

મોરબીના સનાળા ગામે ફ્રીજનું પાણી પીવા જતાં પટકાયેલા શ્રમિકનું મોત

મોરબીના સનાડા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં ગત તારીખ 31-3 ના રોજ રાત્રિના સમયે એક દુખદ ઘટના બની હતી. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સનાડા ગામમાં રહી મજૂરીકામ કરતા 40 વર્ષીય ચંદન રામપ્રસાદ વાસકાર નામના શ્રમિકનું અકસ્માતે પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.મળતી માહિતી મુજબ, મૃતક ચંદનભાઈ સનાડા ગામે આવેલ ’શ્રી નીલકંઠ પ્રિન્ટ પેક’ નામના કારખાનામાં કામ કરતા હતા. ઘટનાની રાત્રે આશરે 5:30 વાગ્યાના સુમારે તેઓ કારખાનામાં ફ્રીજ પાસે પાણી પીવા માટે ગયા હતા.

તે દરમિયાન અચાનક તેમને ચક્કર આવી જતાં તેઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અવસ્થામાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.ચંદનભાઈના નિધનના સમાચારથી તેમના વતનમાં અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તેઓ ચાર ભાઈઓમાં સૌથી નાના હતા અને તેમના પરિવારમાં બે દીકરા તથા એક દીકરીનો સમાવેશ થાય છે. ઘરના મોભીના અકાળે અવસાનથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version