કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓ

ફોટો ચોકલેટ માટે આગવી ઓળખ ધરાવતા પૂજાબેન માણેકે બનાવેલ અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ પહોંચી કેબીસીમાં માટીના કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂૂ થયેલ નિમિષાબેન ખન્નાની સફર…

ફોટો ચોકલેટ માટે આગવી ઓળખ ધરાવતા પૂજાબેન માણેકે બનાવેલ અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ પહોંચી કેબીસીમાં

માટીના કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂૂ થયેલ નિમિષાબેન ખન્નાની સફર કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર સુધી વિસ્તરી

એક દીવો આશાનો પ્રગટાવીએ, એક દીવો વિશ્વાસનો પ્રગટાવીએ; જે હૈયાં વર્ષોથી અંધકારમાં છે, ત્યાં પ્રેમનો દીવો પ્રગટાવીએ…દિવાળી એટલે માત્ર દીવડાંની રોશની કે રંગબેરંગી રંગોનો ઉત્સવ નહીં, પરંતુ જીવનમાં નવી આશા, ઉમંગ અને સકારાત્મકતાનો સંચાર કરતું પર્વ. દિવાળીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં ખરીદીની રોનક છવાઈ છે અને ઘરોમાં તહેવારની તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. એક સમય હતો જ્યારે ગૃહિણીઓ ઘરની સજાવટ માટે તોરણથી માંડીને રંગોળી અને દીવડાંની સજાવટ સુધીની અનેક વસ્તુઓ પોતાની કલ્પનાશક્તિ અને કારીગરીથી ઘરે જ તૈયાર કરતી. સમય બદલાયો છે, બજારો બદલાઇં છે અને તૈયાર વસ્તુઓથી માંડીને વ્યક્તિની પસંદગી મુજબની કસ્ટમાઇઝ્ડ ભેટ-સોગાદો સુધીના અનેક વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે. પરંતુ આ બદલાતા સમય વચ્ચે પણ હાથની કારીગરીની સુંદરતા અને સર્જન પાછળની લાગણીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે.

કોઈના હાથમાં કલા હોય, મનમાં કંઈક નવું સર્જવાની લગન હોય અને પરિવારનો સાથ હોય તો એ કલા માત્ર શોખ બનીને રહેતી નથી, પરંતુ આત્મનિર્ભરતાનો મજબૂત આધાર પણ બની શકે છે. પોતાની સર્જનાત્મકતાને વ્યવસાયમાં રૂપાંતરિત કરીને અનેક લોકોને આકર્ષતી બે મહિલાઓની સફર પણ કંઈક આવી જ છે. એક તરફ હસ્તકલાની અનોખી વસ્તુઓ અને ફોટો ચોકલેટ દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પૂજા ક્રિએશનના પૂજાબેન માણેક છે, તો બીજી તરફ વર્ષોથી ‘નિરાલી ક્રીએશન’ના માધ્યમથી વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ બનાવતાં નિમિષાબેન ખન્ના છે. દિવાળીના પર્વે તેમની કલાત્મક સફર આપણને એ સંદેશ આપે છે કે હાથમાં આવડત, હૈયામાં હિંમત અને પરિવારનો સાથ હોય તો સર્જનશક્તિ સફળતાના અનેક દીવા પ્રગટાવી શકે છે.

ફોટો ચોકલેટથી મેળવી આગવી ઓળખ

છેલ્લા દોઢ દાયકાથી પૂજા ક્રિએશન દ્વારા પૂજાબેન માણેક હસ્તકલાની વિવિધ વસ્તુઓ, ફોટો ચોકલેટ અને ગિફ્ટ હેમ્પર તૈયાર કરીને પોતાની સર્જનાત્મકતાને નવી ઓળખ આપી રહ્યાં છે. એક સમયે તેઓ બુટિક ચલાવતાં હતાં. જોકે, સાસુને લકવાનો હુમલો આવતાં અને સસરાને ડાયાલિસિસ કરાવવાની જરૂૂરિયાત ઊભી થતાં પરિવારની જવાબદારીઓ વધી ગઈ. બંનેની સેવા કરવાની સાથે તેઓ પોતાનું કામ પણ સંભાળતાં હતાં. ત્યારબાદ બાળકોના જન્મ થતાં સમયની મર્યાદાને કારણે તેમણે બુટિકનું કામ છોડી ઘરે રહીને હસ્તકલાની વસ્તુઓ બનાવવાનું શરૂૂ કર્યું.

દિવાળીના કલેક્શનમાં તેઓ લાભ-શુભનાં ડેકોરેટિવ પીસ, દીવડાં સહિતની વિવિધ સજાવટની વસ્તુઓ તૈયાર કરે છે. ખાસ કરીને ચિરોડી રંગની હેન્ડમેડ રંગોળી, પગલાં અને સાથિયા તેમની વિશેષતા છે. ગ્રાહકોની પસંદગી મુજબ આ વસ્તુઓ કસ્ટમાઇઝ કરીને પણ આપે છે. હંમેશાં કંઈક નવું કરવાનો અભિગમ ધરાવતાં પૂજાબેને ફોટો ચોકલેટની નવીનતા પણ અપનાવી છે.તેઓએ બનાવેલ અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ કેબીસીમાં પહોંચી તે તેમના માટે ગર્વની બાબત છે.

દરેક વસ્તુમાં તેમની કલાત્મક સૂઝ અને ઝીણવટભર્યું કામ જોવા મળે છે. આ માટે તેઓ ડાયમંડ, મોતી અને એક્રેલિક જેવી સામગ્રીનો ઉપયોગ કરે છે.

તેમની સર્જનાત્મકતા માત્ર વ્યવસાય પૂરતી સીમિત નથી. તેઓ શાળાઓ અને સંસ્થાઓમાં નિ:શુલ્ક સેમિનાર યોજીને પોતાની કળાનું જ્ઞાન અન્ય લોકો સુધી પહોંચાડે છે. આ ઉપરાંત, વિવિધ સ્થળોએ જજ તરીકે પણ સેવા આપે છે. તેમની આ સફરમાં પતિ જયદીપભાઈનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે તેથી જ કોલેજમાં અભ્યાસ કરતો દીકરો અને શાળામાં ભણતી દીકરીની જવાબદારીઓ નિભાવવાની સાથે પૂજાબેન પોતાની આગવી ઓળખ જાળવી શક્યાં છે.તેમની સફર અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂૂપ છે.

ફોટો ચોકલેટની મીઠી ભેટ બની લોકપ્રિય
હસ્તકલાની વિવિધ વસ્તુઓની સાથે ફોટો ચોકલેટ પૂજાબેનની વિશેષ ઓળખ બની છે. તેમાં વ્યક્તિના ફોટોગ્રાફને ખાદ્ય એટલે કે એડિબલ કલરની મદદથી ચોકલેટ પર ઉતારવામાં આવે છે. આ રીતે તૈયાર થતી ચોકલેટ સંપૂર્ણપણે ખાઈ શકાય તેવી હોય છે. જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ સહિતના વિવિધ પ્રસંગોએ તેઓ ફોટો ચોકલેટની સાથે સુંદર ડેકોરેટિવ પીસ પણ તૈયાર કરી આપે છે. વ્યક્તિગત યાદોને મીઠી ભેટમાં પરિવર્તિત કરતી આ અનોખી ભેટ દિવાળી નિમિત્તે પણ સ્વજનોને આપવા માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.

અન્ય વસ્તુઓ સાથે કલાત્મક તોરણમાં છે વિશેષ નિપુણતા

છેલ્લાં 25 વર્ષથી મોરબીના નિમિષાબેન ખન્ના ’નિરાલી ક્રીએશન’ના માધ્યમથી ડેકોરેટિવ દિવાળી આઇટમ્સ, લગ્નપ્રસંગની વસ્તુઓ અને હેન્ડમેડ હોમ ડેકોરની વિવિધ આઇટમ્સ તૈયાર કરીને પોતાનો વ્યવસાય સંભાળી રહ્યાં છે. એક સમયે પતિ બિઝનેસ ટૂર પર જતા ત્યારે એકલતા અનુભવાતી અને સમયનો સદુપયોગ કરવા તેમણે પોતાની કલાને કામે લગાડી. માટીના કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂૂ થયેલી આ યાત્રા આજે કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર અને વેડિંગ કલેક્શન સુધી વિસ્તરી છે.

દિવાળીના પર્વે તેઓ લાભ-શુભનાં ડેકોરેટિવ પીસ, તોરણ, રંગોળી અને ડિઝાઇનર દીવડાં તૈયાર કરે છે. લગ્નની સિઝનમાં લગ્નપ્રસંગે ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓ કસ્ટમાઇઝ કરી આપે છે. આ ઉપરાંત, હોમ ડેકોરની શ્રેણીમાં ડિઝાઇનર વોલ ક્લોક, નેમપ્લેટ, કી હોલ્ડર અને વોલપીસ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. લગ્નની ભેટ હોય કે કોર્પોરેટ ગિફ્ટ, ગ્રાહકના બજેટ અને પસંદગી અનુસાર તેઓ સુંદર ગિફ્ટ હેમ્પર તૈયાર કરી આપે છે.

તેમની કળા માત્ર પોતાના વ્યવસાય પૂરતી સીમિત નથી. જોબવર્ક આપીને તેઓ અન્ય મહિલાઓને પણ રોજગારીની તક પૂરી પાડે છે. તેમની સાથે રિસેલર્સ પણ જોડાયેલા છે, જેના કારણે તેમના વ્યવસાયનો વ્યાપ વધ્યો છે.

હસ્તકલાના વ્યવસાયમાં આવતા પડકારો અંગે તેઓએ જણાવ્યું કે દરરોજ નવી ચેલેન્જ સામે આવે છે. એક તરફ કાચા માલના ભાવ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ પ્રદર્શનોમાં સ્ટોલ મેળવવા માટેનું ભાડું પણ ઘણું હોય છે. ગ્રાહકો તરફથી ભાવતાલ કરવામાં આવતો હોવાથી યોગ્ય કિંમત જાળવીને વસ્તુઓ વેચવી પણ એક પડકાર છે.

પોતાની કળાને વધુ લોકો સુધી પહોંચાડવા તેઓ વિવિધ આર્ટ ટેકનિક શીખવે છે. તેમાં લામાસા આર્ટ, સસ્પેસો આર્ટ, ગ્લાસ ટેક્નિક, ડે-કુપેજ વર્ક અને મ્યુરલ આર્ટ જેવી કલાઓનો સમાવેશ થાય છે. પોતાની સફળતાનો શ્રેય પતિ, પરિવારજનો, મિત્રો અને સમગ્ર ટીમને આપે છે.

તોરણમાં પ્રીમિયમ રેન્જ અને આગવી માસ્ટરી
દિવાળીની સજાવટમાં તોરણનું વિશેષ મહત્ત્વ છે. તેઓ પાસે રૂૂ. 800થી લઈને રૂૂ. 6,000 સુધીની પ્રીમિયમ રેન્જનાં તોરણ ઉપલબ્ધ છે. ગ્રાહકોની પસંદગી અને જરૂૂરિયાત અનુસાર તેઓ કસ્ટમાઇઝ્ડ તોરણ પણ તૈયાર કરી આપે છે. તેમની આ સર્જનાત્મકતા અને અનુભવને કારણે તોરણની ડિઝાઇનમાં તેમણે વિશેષ નિપુણતા મેળવી છે.