ઉનાના ભીંગરણ ગામે મામી સાસુની હત્યા કરી ઘરેણા લૂંટનાર મહિલાની કરાઈ ધરપકડ

ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે 85 વર્ષીયવૃદ્ધાનીકરપીણ હત્યા કરી કાનનાં સોનાનાં ઘરેણાં લૂંટવાના ચકચારી કેસમાં નવાબંદર મરીન પોલીસે ભેદ ઉકેલી આરોપી મહિલાની ધરપકડ કરી…

ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે 85 વર્ષીયવૃદ્ધાનીકરપીણ હત્યા કરી કાનનાં સોનાનાં ઘરેણાં લૂંટવાના ચકચારી કેસમાં નવાબંદર મરીન પોલીસે ભેદ ઉકેલી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

મૃતક રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયાની હત્યાના ગુનામાં તેમના જ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાણીબેન ડાયાભાઈ જેશાભાઈ પામક પોલીસના હાથે ઝડપાઈ છે. ચા પીવાના બહાને વૃદ્ધાના ઘરે પહોંચેલી મહિલાએ દાતરડા વડે ગળા પર ઘા ઝીંકી હત્યા કર્યા બાદ કાનનાં ઘરેણાં લૂંટ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલું દાતરડું કબજે કર્યું છે, જ્યારે લૂંટાયેલાં સોનાનાં ઘરેણાં ની રિકવરી કરવાની બાકી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભીંગરણ ગામમાં આંગણવાડી નજીક રહેતાં 85 વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયા ઘરે એકલાં હતાં. તેમના ત્રણ દીકરા પરિવાર સાથે વાડીએ રહેતા હોવાથી વૃદ્ધા ઘરે એકલાં રહેતાં હતાં.તા.25ના બપોરનાસમયેઆરોપીભાણીબેન ચા પીવાના બહાને વૃદ્ધાના ઘરે પહોંચી હતી. વૃદ્ધાસાથે ઘરોબો હોવાથી તે અવારનવાર તેમની પાસે બેસવા જતી હતી.

પોલીસ તપાસ મુજબ, આરોપીની નજર વૃદ્ધાના સોનાનાં ઘરેણાં પર હતી. ઘરેણાં લૂંટવાના ઇરાદે તેણે વૃદ્ધા પર દાતરડા વડે હુમલો કરી ગળા પર ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધાનાં કાન કાપી કાનમાં પહેરેલાં સોનાનાં ઘરેણાં ઉતારી લીધાં હતાં અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી.

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વૃદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી ભાણીબેન મૃતકના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી હતી અને ત્યાં રડતી જોવા મળી હતી. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મહિલાની હિલચાલ પોલીસને શંકાસ્પદ જણાતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે સઘન પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની ઘટનાની કબૂલાત કરી હતી. આમ, હત્યા બાદ શોક વ્યક્ત કરવા પહોંચેલી મહિલા જ ગુનામાં સંડોવાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

વૃદ્ધાની હત્યાની ઘટનાને પગલે નવાબંદર મરીનપોલીસ, એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન શંકાના આધારે આરોપી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ગુનાનો ભેદ ઉકેલાતાં તેની ધરપકડ કરવા માં આવી હતી.પોલીસે હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર દાતરડું કબજે કર્યું છે. જોકે, વૃદ્ધાના કાન માંથી લૂંટાયેલાં સોનાનાં ઘરેણાં હજુ કબજે કરવાનાં બાકી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘરેણાંની રિકવરી સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.