બેરોજગારોને દર મહિને રૂા.1500 અને કિસાનોને દર મહિને રૂા.4000 આપવાનો એપ્રિલથી અમલ
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની જનતા માટે લોકપ્રિય જાહેરાતોની ઝડી વર્ષાવી છે. ગઇકાલે નબન્ના ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે બેરોજગાર યુવાનો માટે ’યુવા સાથી’ યોજના અને ખેડૂતો માટે આર્થિક સહાયની જાહેરાત કરીને વિપક્ષોને ચોંકાવી દીધા છે. મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે આ યોજનાનો લાભ ઓગસ્ટથી નહીં, પરંતુ નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી જ મળવાનું શરૂૂ થઈ જશે.
રાજ્યના યુવાનોને આકર્ષવા માટે મમતા સરકારે જાહેરાત કરી છે કે 10મું ધોરણ (માધ્યમિક) પાસ કરનારા અને 21 થી 40 વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને ₹1,500 આપવામાં આવશે. આ સહાય આગામી પાંચ વર્ષ સુધી સતત મળતી રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવી સરકારની રચનાની રાહ જોયા વગર જ એપ્રિલ મહિનાથી યુવાનોના ખાતામાં પૈસા જમા થવા લાગશે.
ખેડૂતો માટે પણ મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, માત્ર 1 કઠ્ઠા જમીન ધરાવતા નાના ખેડૂતોને પણ હવે વાર્ષિક ₹4,000 ની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેતી માટે વપરાતી વીજળી પણ સંપૂર્ણપણે મફત રહેશે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં મહિલાઓ માટે પહેલેથી જ ’લક્ષ્મી ભંડાર’ યોજના અમલમાં છે, અને હવે યુવાનો-ખેડૂતોને પણ આ યાદીમાં જોડી દેવામાં આવ્યા છે.
આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકારે 15 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં વિશેષ કેમ્પનું આયોજન કર્યું છે. રાજ્યની તમામ 294 વિધાનસભા બેઠકો પર એક-એક કેમ્પ લગાવવામાં આવશે.

