ગુજરાત
‘મારે માવતરના ઘેર કેટલા દિવસ રહેવું, મારે મરી જવું છે’ તેવું રટણ કરતી પરિણીતાનો ઝેર પી આપઘાત
પુત્રીને જન્મ આપતા સાસરિયા છેલ્લા 9 વર્ષથી તેડવા નહીં આવતા આત્મઘાતી પગલુ ભર્યાનો માવતર પક્ષનો આરોપ
ગોંડલના દેરડી કુંભાજી ગામે સાસરીયુ ધરાવતી અને હાલ મવડી વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીમાં માવતરે છેલ્લા નવ વર્ષથી રિસામણે બેઠેલી પરિણીતાએ મારે માવતરના ઘરે કેટલા દિવસ રહેવું, મારે મરી જવું છે તેવા રટણ સાથે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રીને જન્મ આપ્યા બાદ સાસરીયા તેડવા નહીં આવતા પરિણીતાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનો માવતર પક્ષે આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામની રહેતી અસ્મિતાબેન જયેશભાઈ ચાવડા નામની 34 વર્ષની પરિણીતા રાજકોટમાં મવડી ગામ વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં પોતાના પિતા વાલજીભાઈ પુનાભાઈ ખીમસુરીયાના ઘરે હતી ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પૂછપરછમાં અસ્મિતાબેન ચાવડાના 10 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને લગ્ન બાદ પ્રસુતિ કરવા માટે માવતરે આવી હતી અને તેણીને સંતાનમાં પુત્રી જન્મી હતી. પુત્રી હાલ 9 વર્ષની થઈ હોવા છતાં પતિ સહિતના સાસરીયા તેડવા આવતા ન હતા.
જેના કારણે અસ્મિતાબેન ચાવડા નસ્ત્રમારે માવતરના ઘરે કેટલા દિવસ રહેવું મારે મરી જવું છે તેવું રટણ કરતી હતી અને અંતે આજે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. અને અગાઉ પણ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.