ગુજરાત
હસતા હસતા ચાર્જ સોંપવાની વાત આવી તો બધા મારી સામે કેમ જોવે છે ? : નીતિન પટેલ
રાજકારણમાં પદ પરથી હટાવ્યા બાદનું દર્દ કેવુ હોય તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હસતા હસતા કહી ગયા. કડીમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે હસતા હસતા ટોણો માર્યો હતો. હકીકતમાં તેમણે પદ પરથી તેમની વિદાયને પણ હસતા હસતા બિરદાવી હતી.
મહેસાણાના કડીમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જેસીઆઈના એક કાર્યક્રમમાં જોરદાર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જુના પ્રમુખે વિદાય લીધી તો ડોક્ટર બોલ્યા હસતા હસતા ચાર્જ અપાઈ ગયો. ત્યારે સૌ કોઈએ મારી સામે જોયું! અલ્યા, આમાં મારી સામે શું જોવા જેવું છે એ ખબર ન પડી. પણ મારી સામે શું જોવાનું.
તેમણે આગળ કહ્યુ કે, જાણે અમે તો તલવારો, ભાલા, બંદૂકોથી ચાર્જ લેતા અને છોડતા હોઇએ એવું વાતાવરણ રાજકારણમાં તમે બધાએ મારા પ્રતિબિંબમાં જોયું. ખરેખર એવું નથી હોતું. છાપા અને મીડિયા ઘણું ઘણું લખે છે. મહારાષ્ટ્રની ચૂંટણી પતીને પાંચ-છ દિવસ થયા, છતાં શું થશે શું નહિ થાય, સ્વભાવિક છે કે દેશના અનેક કામો અને નેતાગીરીમાં અનેક પરિબળો વચ્ચે નિર્ણય કરવામાં સમય લાગે છે. જેસીઆઈમાં આ મંચ ઉપરથી થયું એટલું ઝડપથી પહેલા નહિ થયું હોય. મીટિંગ તો ઘણી કરી હશે ત્યાં. તેથી આનંદથી બધાને અભિનંદન આપું છું. આમ, નીતિન પટેલના નિવેદનમાં ઈશારો કોના તરફ હતો તો તે બધા સમજી ગયા હતા, પરંતું નીતિન પટેલે ટોણો મારતા મારતા પણ મોટી વાત કરી દીધી હતી. તો બીજા ધાર્મિક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ભૂલચૂક થાય તો માફ કરતો, બીજા બજા ભાષણ કરતા હોય પણ મારી તોલે કોઈ ના આવે. માતાજીના ધામમાં હું ખૂબ નાનો બાળક છું.