દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં દેશનાં લોકોને સૌથી વધારે રસ પશ્ચિમ બંગાળમાં શું થાય છે એ જાણવામાં હતો પણ ચૂંટણીનાં પરિણામો પછી વધારે રસ તમિળનાડુમાં શું થાય છે એ જાણવામાં છે. તમિળનાડુની ચૂંટણીમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકેને સૌથી વધારે બેઠકો મળી છે પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. વિજયે સરકાર રચવાનો દાવો કર્યો પણ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને બહુમતનો વેત કર્યા પછી જ આવવા કહેતાં કોકડું ગૂંચવાયું છે. વિજય બાકીના ધારાસભ્યોનો વેત કરવા ફાંફાં મારી રહ્યો છે ત્યાં એઆઈએડીએમકેના ઈ.કે. પલાનીસ્વામીએ જોરદાર દાવ ખેલીને સરકાર રચવા માટે પોતાના કટ્ટર હરીફ ડીએમકેનો ટેકો માગી લેતાં જોરદાર ટ્વિસ્ટ આવી ગયો હતો.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટી ડીએમકેએ પહેલાં વિપક્ષમાં બેસવાનું નક્કી કરી નાંખેલું પણ એઆઈએડીએમકેએ ટેકો માગતાં તેની પણ દાઢ સળકી છે. અલબત્ત, સ્ટાલિને અંતે વિચાર માંડી વાળ્યો અને કહ્યું કે છ મહિના સુધી સરકાર પાડવાનો પોતે કોઈ વિચાર નહીં કરે. વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયેલા સ્ટાલિન સાવ પતી ગયા એવું મનાતું હતું પણ અચાનક જ સ્ટાલિન કિંગ મેકર બનવાનું સ્વપ્ન સ્ટાલિનને આવી ગયું ખરું પણ સ્ટાલિને વિચાર્યું કે અત્યારે તો વિપક્ષમાં બેસવામાં જ માલ છે. વિજયની ટીવીકે 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે. સ્ટાલિનની ડીએમકે અને પલાનીસ્વામીની એઆઈએડીએમકે -વરસોથી તમિળનાડુમાં રાજકીય હરીફ છે પણ બંનેની વિચારધારા એક જ છે છે ને ગોત્ર પણ એક જ છે.
એઆઈએડીએમકેની સ્થાપના તમિળ ફિલ્મોના સુપરસ્ટાર એમ.જી. આર. ઉર્ફે મરૂૂધર ગોપાલન -રામચંદ્રને કરેલી ને તેનું કારણ ડીએમકેમાં કરુણાનિધિ સાથેનો -સંઘર્ષ હતો. તમિળનાડુમાં અંગ્રેજ શાસનનાં સમયમાં દ્રવિડ -ચળવળ પ્રબળ બની હતી. તમિળનાડુના મહાત્મા ગાંધી મનાતા પેરિયાર ઉર્ફે ઈ.વી. રામાસ્વામીએ આઝાદી પહેલાં જસ્ટિસ પાર્ટી બનાવેલી. પેરીયારની છત્રછાયામાં અન્નાદુરાઈ અને કરુણાનિધિ દ્રવિડિયન ચળવળના નેતા તરીકે ઊભર્યા. કરુણાનિધિ અને એમજીઆરના ટકરાવના કારણે અસ્તિત્વમાં આવેલી એઆઈએડીએમકેની વિચારધારા પણ દ્રવિડિયન સંસ્કૃતિને -મહત્ત્વ આપવાની છે. ડીએમકે સામે લડવા માટે હિંદુ મતબેંકની લાલચમાં એઆઈએડીએમકે ભાજપ સાથે જોડાણ કરે છે પણ તમિળનાડુમાં સરકાર રચવાનું આવે તો એઆઈએડીએમકે ભાજપને બાજુ પર મૂકી શકે છે કેમ કે સ્ટાલિન એઆઈએડીએમકેના ભાજપ સાથેના જોડાણને માન્ય નહીં રાખે.
