Site icon Gujarat Mirror

તું શેનો નેતા છે? તને મેં જીતાડયો અને મેં જ હરાવ્યો હતો, આંકડા જોઈ લેજે

ગુજરાત મિરર, વડોદરા,તા.17
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્રણેય પાર્ટીઓના નેતા નિવેદનબાજી કરીને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી રહ્યા છે. ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વોર્ડ નંબર 15ની ચૂંટણી પ્રચાર સભામાં સંબોધન કરતા મધુ શ્રીવાસ્તવે પોતાના આગવા અંદાજમાં ’હુંકાર’ કર્યો હતો અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન મધુ શ્રીવાસ્તવે કોઈનું નામ લીધા વિના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે ભૂતકાળના રાજકીય સમીકરણો યાદ અપાવતા આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે “તું શેનો નેતા છે? તને મેં જીતાડ્યો હતો અને મેં જ હરાવ્યો હતો. આંકડા જોઈ લેજે, તારા કરતા તો મારા પુત્રના 2500 મત વધારે આવ્યા હતા.”
વધુમાં મધુ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો હતો કે અમુક નેતાઓએ જનતાની સેવા કરવાને બદલે માત્ર પોતાનું ઘર ભર્યું છે. તેમણે ટકોર કરી હતી કે નેતાએ અત્યાર સુધી માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને જનતાના કામો કરવાને બદલે પોતાની સ્કૂલો અને પેટ્રોલ પંપો બનાવવામાં જ રસ દાખવ્યો છે. તેમણે મંચ પરથી લલકારતા કહ્યું હતું કે જેણે પણ કોંગ્રેસ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે, તે તાત્કાલિક ઉતારી દેજો. જો પોસ્ટર નહીં ઉતરે, તો યાદ રાખજો કે ચૂંટણી પત્યા પછી તમને બચાવવા કોઈ નહીં આવે.”
મધુ શ્રીવાસ્તવની આ નિવેદન બાદ વડોદરાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ સમર્થકો આને તેમનો ’દબદબો’ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિરોધી છાવણીમાં આ નિવેદનોને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

Exit mobile version