Site icon Gujarat Mirror

ભાજપના તમામ ધારાસભ્યોને સોમ થી બુધ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હીપ

વ્હીપનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની પણ તાકીદ, સમાન સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં રજૂ કરવાનું કાઉન્ટ-ડટાઉન

ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ પાડવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ભાજપના તમામ ધારાસભ્યોને આગામી તા.23 થી 25 દરમ્યાન વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગુજરાતના રાજકારણમાં કોઈ મોટા નિર્ણય કે નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિધાનસભાના પોતાના તમામ ધારાસભ્યો માટે એક મહત્વપૂર્ણ વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, તમામ ધારાસભ્યોએ આગામી 23, 24 અને 25 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે.

વિધાનસભા પક્ષના દંડક દ્વારા જારી કરાયેલા આ વ્હીપમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ત્રણેય દિવસ દરમિયાન ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીમાં પૂરો સમય ઉપસ્થિત રહેવું પડશે. સાથે જ, ગૃહમાં પક્ષના માર્ગદર્શન અને નિર્દેશો અનુસાર જ કામગીરી કરવા પણ જણાવવામાં આવ્યું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ ધારાસભ્ય આ વ્હીપનો ભંગ કરશે તો તેની સામે પક્ષની શિસ્ત મુજબ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. રાજકીય વર્તુળોમાં આ વ્હીપને ઘણો સૂચક માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ ત્રણ દિવસ દરમિયાન વિધાનસભામાં કોઈ મહત્વના કાયદાકીય પ્રસ્તાવો, નીતિગત નિર્ણયો અથવા ગંભીર ચર્ચાઓ થવાની સંભાવના છે. વિધાનસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પક્ષ કોઈ પણ મહત્વના મુદ્દે ચર્ચા કે મતદાન વખતે પોતાની સંપૂર્ણ એકતા અને સંખ્યાબળ જાળવી રાખવા માંગે છે.

Exit mobile version