દિલ્હીમાં સમાજના નામે યોજાયેલા સંમેલનો સામે ગુજરાત કોળી સમાજના ઉપાધ્યક્ષે ઉઠાવ્યા અણિયારા સવાલો
અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનને લઈને ગુજરાત કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે બંને અધિવેશનના આયોજકોને સફળ ગણાવતા જણાવ્યું કે સમાજને તેનાથી વાસ્તવિક લાભ થયો છે કે નહીં, તે વિચારવાનો સમય છે.
પ્રવીણ કોળીએ કહ્યું, બંને અધિવેશનના આયોજકો સફળ, પણ સમાજ સફળ થયો કે નહીં તે સવાલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોળી સમાજના કેટલાક નેતાઓ રાજકીય હિતો માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય રોટલા શેકવા કોળી સમાજના નેતાઓ દ્વારા ધમપછાડા થઈ રહ્યા છે.
તેમણે સમાજના વિવિધ પ્રશ્નોને લઈને નેતાઓને આહ્વાન કર્યું કે તેઓ સમાજ માટે શું કરવાના છે તે પહેલાં જણાવે. અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળિયાના નિવેદન પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા. કુંવરજી બાવળિયાએ ચૂંટણીમાં નહીં લડવાનું નિવેદન કર્યું હતું.
પ્રવીણ કોળીએ એ પણ જણાવ્યું કે છેલ્લા 6 વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોવાને કારણે સમાજની ચૂંટણી યોજી શકાઈ નથી. આ નિવેદનથી કોળી સમાજમાં નવી ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે અને સમાજના સભ્યોમાં આ મામલે વિવિધ અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હી ખાતે કુંવરજી બાવળીયા અને હીરાભાઇ સોલંકી જૂથ દ્વારા કોળી સમાજના સમાંતર સંમેલનો યોજવામાં આવ્યા હતા. આ બંન્ને સંમલેનની સફળતા-નિષ્ફળતાની ચર્ચા વચ્ચે કોળી સમાજના ઉપાધ્યક્ષે અણીયારા સવાલો ઉઠાવ્યા છે.
