ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધીને બહાર કાઢીશું: હર્ષ સંઘવી

રાષ્ટ્રીય સુરક્ષા સામે ‘ઝીરો ટોલરન્સ’, રાજ્યભરમાં 362 બાંગ્લાદેશીઓની ધરપકડ ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય…

રાષ્ટ્રીય સુરક્ષા સામે ‘ઝીરો ટોલરન્સ’, રાજ્યભરમાં 362 બાંગ્લાદેશીઓની ધરપકડ

ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ’ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂૂદ્ધ કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 103 પુરુષ, 188 મહિલા અને 71 બાળકોનો સમાવેશ થાય છે. ઓપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13 અને ભરૂૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. આ ઝુંબેશ દરમિયાન મોટી સંખ્યામાં, એટલે કે 782થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પણ મળી આવ્યા છે, જેમની હાલ સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સ માત્ર આ વ્યક્તિઓની જ નહીં, પરંતુ તેમને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ, આશ્રય, નોકરી અથવા નકલી આધાર કાર્ડ અને વોટર આઈડી જેવા ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સની પણ ઓળખ કરી રહી છે. ઘૂસણખોરોની મદદ કરનારને પણ બક્ષવામાં આવશે નહીં. પકડાયેલા તમામ ગેરકાયદેસર નાગરિકોને નિયમાનુસાર ડીટેન કરવામાં આવ્યા છે અને તેમને દેશની બહાર ડીપોર્ટ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા આ ઓપરેશન ખૂબ ઝીણવટપૂર્વક પ્લાન કરવામાં આવ્યું હતું. શહેરોમાં રેડ ચાલુ થવાની સાથે જ સંભવિત ઘૂસણખોરો રાજ્ય બહાર ભાગી ન જાય તે માટે તમામ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશનો પર તાત્કાલિક અસરથી કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ વ્યૂહાત્મક નાકાબંધીના કારણે રેડ દરમિયાન ભાગવાની કોશિશ કરી રહેલા અન્ય 18 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને પણ નાકાબંધીના સ્થળેથી જ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ’ઓપરેશન ડેલ્ટા હન્ટ’ આગામી દિવસોમાં પણ રાજ્યના તમામ ક્ષેત્રો અને ચારેય વિસ્તારોમાં ચાલુ રહેશે. અને ગેરકાયદેસર રીતે વસતા દરેક તત્વને શોધીને ડીપોર્ટ કરવામાં આવશે. એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં થયેલી આ કાર્યવાહીને ગુજરાત પોલીસની એક ’ઐતિહાસિક સફળતા’ ગણાવીને તમામ પોલીસ યુનિટ્સને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

બાંગ્લાદેશી સાથે વાતચીત કરતા લોકોના નંબરનો ડેટાબેઝ તૈયાર કરાયો બાદમાં ઓપરેશન શરૂ થયું
રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ’સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકોમ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. આ પદ્ધતિથી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.