આગામી તા.26થી શરૂ થશે પાકિસ્તાન સુપર લીગ
પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે ભીષણ યુદ્ધ ચાલે છે અને વિમાન પ્રવાસની બાબતમાં મધ્ય પૂર્વમાં કોઈની સલામતી પણ નથી એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી વિદેશી ક્રિકેટરોને (ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને) ખાતરી આપી છે કે ‘આગામી 26મી માર્ચે અમારે ત્યાં શરૂૂ થનારી પાકિસ્તાન સુપર લીગમાં રમવા અચૂક આવજો. અમારે ત્યાં સુરક્ષા-સલામતીની બાબતમાં કોઈ જ ચિંતા નહીં કરતા.’ પીએસએલની શરૂૂઆત આઇપીએલના બે દિવસ પહેલાં થવાની છે. ઑસ્ટ્રેલિયાના જે ખેલાડીઓએ પીએસએલમાં રમવા ફ્રેન્ચાઇઝીઓ સાથે કરાર કર્યા છે એમાં સ્ટીવ સ્મિથ, ઍડમ ઝેમ્પા, ડેવિડ વોર્નર, પીટર સીડલ, માર્નસ લાબુશેન, ઍશ્ટન ટર્નર, જેક ફ્રેઝર મેકગર્ક, રાઇલી રોસોઉ, આરોન હાર્ડી, બેન મેક્ડરમોટ વગેરેનો સમાવેશ છે.
કેટલાક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાકિસ્તાનમાં પીએસએલ રમવાનું માંડી વાળવા વિચારે છે. ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના ખેલાડીઓને ખાસ કરીને પેશાવરમાં રમવા ન જવાની સલાહ આપી છે, કારણકે એ શહેર અફઘાનિસ્તાનની નજીકમાં છે. પીસીબીએ તમામ વિદેશી ખેલાડીઓની સલામતી અને પ્રવાસ સંબંધમાં પોતે ચિંતિત છે એવા અહેવાલને પણ નકારી કાઢ્યો છે.
