108 જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી, ભૂગર્ભ જળનો પણ ચિંતાજનક રિપોર્ટ

ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે પાણીની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજયના કુલ 206 જળાશયોમાંથી 108 ડેમમાં 50 ટકાથી ઓછુ જળસ્તર છે.…

ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે પાણીની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજયના કુલ 206 જળાશયોમાંથી 108 ડેમમાં 50 ટકાથી ઓછુ જળસ્તર છે. જો કે, સરદાર સરોવર ડેમ ચિક્કાર ભરેલો હોવાથી હવે આગામી ચોમાસા સુધીમાં ભારે માવઠુ ન થાય તો એકમાત્ર નર્મદાનીર ઉપર જ મદાર રહે તેવી સ્થિતિ છે. સાથો સાથ રાજ્યનાં ભુગર્ભજળ અંગે પણ ચિંતાજનક સરકારી અહેવાલ આવ્યો છે.રાજ્યમાં આ સિઝનમાં આજ સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 810.32 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વરસાદના 89.16% જેટલો છે. ગત ત્રણ વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ ઓછો છે. 2023માં 108.16%, 2024માં 143.14% અને 2025માં 128.57% વરસાદ થયો હતો, જ્યારે 2026માં માત્ર 89.16% રહ્યો છે.

રિજિયન વાઈઝ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 1761.43 મિમી પડ્યો છે, જે સરેરાશ કરતા 114.23% વધુ છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 89.67% વરસાદ થયો છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછો 57.60%, ઉત્તર ગુજરાતમાં 71.04% અને સૌરાષ્ટ્રમાં 71.29% વરસાદ નોંધાયો છે. રાજકોટમાં આ સિઝનમાં 458 મિમી વરસાદ થયો છે જે સરેરાશના 61.85% જ છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 331237 mcft પાણીનો સંગ્રહ છે જે કુલ ક્ષમતાના 99.15% છે. તેમાં 21217.5 ક્યુસેક ઇનફ્લો અને 614.38 ક્યુસેક આઉટફ્લો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 400916 જળ સંગ્રહ છે જે 71.86% છે. જેમાં 32 ડેમ 100% ભરાયા છે, 37 ડેમ 70થી 100% વચ્ચે, 29 ડેમ 50થી 70% વચ્ચે, 36 ડેમ 25થી 50% વચ્ચે અને 72 ડેમ 25% થી નીચે ભરાયેલા છે.

બીજી તરફ, ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તર અંગેનો સરકારી અહેવાલ ચિંતાજનક છે. બનાસકાંઠાના દિયોદરમાં 168 મીટરે પાણી મળતાં, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ કપરી છે. મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં સ્તર નીચે ગયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 1 થી 6 મીટરે પાણી ઉપલબ્ધ છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો કડક પગલાં નહીં લેવાય તો રાજ્યમાં જળસંકટ ઘેરું બનશે.ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તરને લઈને એક ચિંતાજનક સરકારી અહેવાલ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છેકે, ઉત્તર ગુજરાત રીજિયનમાં ભૂગર્ભજળની સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. આખા રાજ્યમાં સૌથી કપરી સ્થિતિ બનાસકાંઠાના દિયોદર પંથકની છે, જ્યાં 168 મીટરે જમીનમાં પાણી મળે છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો સરકાર આ બાબતે કડકાઈ નહીં દાખવે, તો ગુજરાતમાં ભૂગર્ભજળ ખૂટી જાય તે દિવસો હવે દૂર નથી.

તેની સામે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે નવસારી, વલસાડ, દ્વારકા, આણંદ, જામનગર, પોરબંદર, ભરૂૂચ, ગીર સોમનાથ અને સુરતમાં સ્થિતિ ઘણી સારી છે, જ્યાં માત્ર 1થી 6 મીટરની ઊંડાઈએ જ પાણી ઉપલબ્ધ છે.ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 27.58 બિલિયન ક્યુસેક મીટર પાણી કુદરતી કે કૃત્રિમ રીતે જમીનમાં રિચાર્જ થાય છે. તેની સામે 25.58 બિલિયન ક્યુસેક મીટર જેટલું માતબર પાણી દર વર્ષે જમીનમાંથી ખેંચી લેવામાં આવે છે. જેને કારણે ભૂગર્ભજળનું સ્તર સતત નીચે ગગડી રહ્યું છે. રાજ્ય સરકાર ભૂગર્ભજળના સ્તર ઊંચા લાવવા અને પાણીની ગુણવત્તા સુધારવાના નામે દર વર્ષે કરોડો રૂૂપિયા ખર્ચી કરી રહી છે. ’અટલ ભૂજલ યોજના’ અને ’સુજલામ સુફલામ યોજના’ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ કાર્યરત હોવા છતાં જમીની સ્તરે સકારાત્મક સુધારો જોવા મળ્યો નથી.