સૌરાષ્ટ્રના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા જેતપુરના પ્રખ્યાત સાડી ઉદ્યોગ પર હાલ સંકટના ઘેરા વાદળો છવાયા છે. એક તરફ મોંઘવારી અને મંદીનો માર છે, તો બીજી તરફ વરસાદ ખેંચાવાને કારણે પાણી અને વીજળીની ભારે અછત ઊભી થઈ છે. આ તમામ પરિબળોને કારણે જેતપુરના સાડી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
સાડી ઉદ્યોગમાં પાણી અને વીજળી અને પાણીની કટોકટી સર્જાતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે. કપડાના ડિઝાઈનિંગથી લઈને માર્કેટિંગ સુધીના વિવિધ તબક્કાઓમાં કામ કરતા કારીગરો અને વેપારીઓ ગંભીર આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે.
જેતપુર તાલુકા અને તેની આસપાસના વિસ્તારોનો મુખ્ય આર્થિક આધાર આ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર રહેલો છે. આશરે 2 થી 3 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપતો આ ઉદ્યોગ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર જેતપુરના ઉદ્યોગ પર પડી રહી છે. વૈશ્વિક સ્તરે ગેસ, પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઈલના ભાવોમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. જેના કારણે સાડીના ઉત્પાદનમાં વપરાતી મૂળભૂત વસ્તુઓ અત્યંત મોંઘી બની છે.
સાડી પ્રિન્ટિંગમાં વપરાતા મુખ્ય ઘટકો જેવા કે કલર, કેમિકલ્સ, પ્લાસ્ટિકની થેલીઓ અને પેકિંગ મટીરિયલના ભાવ સીધા ડબલ થઈ ગયા છે. કલર કેમિકલમાં વપરાતા ગુવાર ગમના ભાવમાં તો છેલ્લા માત્ર 4 દિવસમાં જ કિલોએ 30 રૂૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. બીજી તરફ, કાપડ બજારમાં છેલ્લા 6 મહિનાથી અપેક્ષિત ઘરાકી જોવા મળી રહી નથી. બજારમાં સતત મંદીનો માહોલ છે. પરિસ્થિતિ એવી વિકટ બની છે કે કાચા માલના ભાવ ડબલ થઈ ગયા હોવા છતાં, ગ્રાહકોની ખરીદશક્તિ ન હોવાથી વેપારીઓ તૈયાર સાડીના ભાવ વધારી શકે તેમ નથી.
આફ્રિકા તેમજ અન્ય દેશોમાં નિકાસ થતો જેતપુરનો કીટાંગોનો માલ હાલ ક્ધટેનરના અભાવે અટકી પડ્યો છે, જેથી નિકાસ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. કારખાનેદારો મોટું નુકસાન વેઠીને પણ ઉદ્યોગ જીવંત રાખવા અને કારીગરોની રોજીરોટી બચાવવા મથામણ કરી રહ્યા છે.
સાડી ઉદ્યોગ માટે પાણી જીવાદોરી સમાન છે. પરંતુ આ વર્ષે વરસાદ ઓછો થતાં ડેમો ખાલી પડ્યા છે અને દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. બીજી બાજુ પૂરતો કોલસો ન મળતો હોવાથી વીજ સંકટ પણ ઊભું થયું છે. વીજ અધિકારીઓએ બુધવારે કારખાના સ્વૈચ્છિક બંધ રાખવા જણાવ્યું છે.
આગળ દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે કારખાના બંધ રાખવા ઉદ્યોગકારોને પોસાય તેમ નથી. દિવાળી બાદ પણ જો પાણી નહીં હોય તો ઉદ્યોગ ચાલુ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. પાણી વગર આ કારખાનાઓ ચલાવવા અશક્ય બની જશે.
સરકાર પાસે રાહત પેકેજની અપેક્ષા
જેતપુરના ઉદ્યોગપતિઓ કોઈપણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત અને આવડત ધરાવે છે. પરંતુ આ વખતે ઉદ્યોગ પર ચારેતરફથી હુમલો થયો છે. યાંત્રિક અને રાસાયણિક ચીજવસ્તુઓના ભાવમાં કલ્પના બહારનો 100 ટકા જેટલો વધારો આવ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ અને વેપારીઓએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. તેમની માંગ છે કે સરકારે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઉદ્યોગ જગતને બચાવવા માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવું જોઈએ. જો સમયસર પરિસ્થિતિમાં સુધારો નહીં આવે અને સરકાર તરફથી કોઈ રાહત નહીં મળે, તો દિવાળી પછી હજારો કામદારોની રોજીરોટી છીનવાઈ જશે. અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહેલા આ ઉદ્યોગને બચાવવો સ્થાનિક અર્થતંત્ર માટે અત્યંત જરૂૂરી બની ગયો છે.
