ટ્રમ્પે ઈરાન પરના અમેરિકાના હુમલા મુલતવી રાખ્યા છે, જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે તેઓ ઈરાન અને લેબનોન સામે હુમલા ચાલુ રાખશે. યુએનએસસીમાં ઈરાન વિરુદ્ધ એક નવા ઠરાવ પર પણ ચર્ચા થઈ રહી છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે.
નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે બંને નેતાઓ ઇઝરાયલના મહત્વપૂર્ણ હિતોનું રક્ષણ કરતા કરાર દ્વારા તેમના યુદ્ધ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે કામ કરશે. જો કે, આ સાથે, તેમણે ઈરાન અને લેબનોન સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવાના તેમના દૃઢ સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર એક પોસ્ટ શેર કરતા નેતન્યાહૂએ લખ્યું: “આજે, મેં મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે એક કરાર દ્વારા આપણા યુદ્ધના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાની તક છે, જે અમે અમેરિકન સૈન્ય સાથે સહયોગમાં પ્રાપ્ત કરેલી ભવ્ય સિદ્ધિઓનો લાભ લઈ શકે છે. દરમિયાન, અમે ઈરાન અને લેબનોન બંનેમાં આપણા હુમલા ચાલુ રાખી રહ્યા છીએ.
અલ જઝીરાના અહેવાલ મુજબ, બહેરીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા નવા ડ્રાફ્ટ ઠરાવ અંગે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે. આ ઠરાવ સભ્ય દેશોને હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે “તમામ જરૂૂરી પગલાં” લેવા માટે અધિકૃત કરવાની હિમાયત કરે છે. ડ્રાફ્ટમાં માંગ કરવામાં આવી છે કે ઈરાન તાત્કાલિક વાણિજ્યિક જહાજો પરના તમામ હુમલાઓ બંધ કરે અને સ્ટ્રેટની નજીકમાં કાયદેસર માર્ગ અથવા નેવિગેશનની સ્વતંત્રતાને અવરોધવાના કોઈપણ પ્રયાસોથી દૂર રહે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે.
ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ઈરાન પણ ઈઝરાયલ પર વળતાં પ્રહાર કરી રહ્યું છે. એવામાં ઈરાને અમેરિકા સામે યુદ્ધ રોકવા માટે બે શરતો મૂકી છે.
ઈરાનની બે મોટી શરતો: 1. આર્થિક પ્રતિબંધો હટાવવા: ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધોને અમેરિકાએ સંપૂર્ણપણે હટાવવા પડશે. 2. યુદ્ધના નુકસાનની ભરપાઈ: યુદ્ધને કારણે ઈરાનને જે સૈન્ય અને માળખાગત નુકસાન થયું છે, તેનું વળતર અમેરિકાએ ચૂકવવું પડશે.
ટ્રમ્પના દાવા મુજબ, અમેરિકા સીઝફાયર માટે ઈરાનના એક ’ટોચના અને સન્માનિત’ નેતા સાથે સતત સંપર્કમાં છે. બીજી તરફ, ઈરાને આ દાવાઓને ’ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે. ઈરાનનું કહેવું છે કે ટ્રમ્પ માત્ર તેલના બજારમાં ભાવને નિયંત્રિત કરવા અને શેર માર્કેટને ઉપર લાવવા માટે આવા દાવા કરી રહ્યા છે.

