યુદ્ધથી સર્જાયેલી ઈંધણ તંગી : દેશને નવી ઉર્જાક્રાંતિ તરફ ધકેલતો સમય

દેશ આજે જે ડીઝલ અને પેટ્રોલની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે, તે કોઈ બજારમાં થતી ગરબડ, આયાતમાં ઘટાડો કે સ્થાનિક તકલીફોના કારણે નહીં, પરંતુ…

દેશ આજે જે ડીઝલ અને પેટ્રોલની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે, તે કોઈ બજારમાં થતી ગરબડ, આયાતમાં ઘટાડો કે સ્થાનિક તકલીફોના કારણે નહીં, પરંતુ આ આખી પરિસ્થિતિના કેન્દ્રમાં એક મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય યુદ્ધનું તણાવ. વૈશ્વિક સ્તરે ઊભા થયેલા સૈનિકી સંઘર્ષોએ તેલના બજારોને હચમચાવી નાખ્યા છે. દેશમાં સપ્લાય લાઈનો ખોરવાઈ રહી છે. ઓઈલ ઉત્પાદક પ્રદેશોમાં આખી ગોઠવણ જ ખોરવાઈ ગઈ છે. પરિણામે ભારત જેવા જે દેશો પેટ્રોલિયમના મોટા આયાતકાર છે, તે દેશો ઇંધણની કટોકટીનો ગંભીર અનુભવ કરી રહ્યા છે.

દેશમાં કટોકટી ઉંબરે આવીને ઊભી છે ત્યારે યુવાનો માટે એક સંદેશો પણ છે. આમ તો દરેક વિકટ પરિસ્થિતિમાં તેનો સામનો સકારાત્મક વલણથી કરીએ તો રસ્તા આપોઆપ ખુલવા લાગતા હોય છે. દેશને ભવિષ્યમાં ઊર્જા સુરક્ષિત બનાવવા માટે નવી દિશા વિચારવી જ પડશે. જેમકે ઈલેક્ટ્રિક વાહનો, સોલાર એનર્જી, બાયોગેસ, હાઈડ્રોજન ફ્યુલ જેવા અનેક વિકલ્પો યુવાનો નવી કારકિર્દી રૂૂપે અપનાવીને દેશમાં આવી કટોકટી આવતી રોકી શકે તેમ છે. આ માત્ર કોઈ વિકલ્પ જ નહીં, પણ દેશની તાતી જરૂૂરિયાત પણ છે. જો આપણે આવી ઉર્જાક્રાંતિ અપનાવી નહીં શકીએ તો આવનારા વર્ષોમાં આવી અનેક પરિસ્થિતિઓ હજુ વધુ ગંભીર બની શકે છે.

આજે પર્યાવરણને આપણે અનહદ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ભવિષ્યમાં આપણા જ બાળકો જેમ આજે આપણે ઈંધણની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ તેમ તેઓ શુદ્ધ હવા, પાણી જેવી જીવાદોરી સમાન વિકલ્પોથી તડપી રહ્યા હશે. આપણે જો આપણાં જ સંતાનો માટે થોડી એવી કાળજી લેશું તો આવનારી પેઢી પાણી કે શુદ્ધ હવા માટે વલખાં નહીં મારે. આજે આડેધડ વૃક્ષનું છેદન, પાણીની અપૂરતી વ્યવસ્થાઓ, ચેકડેમોની અછત જેવા અનેક ભયાનક કારણોના લીધે તેમજ પોલ્યુશન વધારતા વાહનો, પ્રદૂષણ રોકતા નહીંવત સાધનો, માણસોનું કાયદા પ્રત્યે બેધ્યાનપણું જેવી અનેક સમસ્યાઓ ભવિષ્યમાં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી શકે તેમ છે.

આજે ઈંધણની નાની મુશ્કેલીમાં પણ માણસો પેટ્રોલપંપ ફરતે ચક્કર લગાવવા લાગ્યા છે. ખેડૂતોને વાવણીની તૈયારી માટે ટ્રેકટરોની તાતી જરૂૂરિયાત હોવાથી પેટ્રોલપંપમાં લાઈને ઊભાં રહે કે ખેતરમાં વાવણી પૂર્વે થતાં કાર્યો કરે. દેશ આજે ઈંધણને લઈને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યો છે. આમ છતાં કોઈ માણસ આનો સારો વિકલ્પ તો નહીં જ શોધે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સોનું ખરીદવાની માત્ર એક જ વર્ષ પૂરતી ના કહી છે તેમજ ઈંધણનો વપરાશ ઘટાડવા કહ્યું છે. આટલી સીધી અને નાનકડી વાતને વિરોધ કરનારાઓની લાઈનો લાગી છે. વાસ્તવમાં દેશને આપણી જ મદદની જરૂૂર છે.

આપણે જો આપણી જ મદદ માટે ઊભા નહીં રહીએ તો આપણે જ નુકસાન ભોગવવું પડશે. દરેક નાગરિક પોતાના કર્તવ્યોનું ભાન રાખીને જો દેશને મદદ કરશે તો આપણા દેશમાં આવતી કટોકટી તો શું કોઈ પણ મુશ્કેલ કામ પણ આસાન બની જશે. આ માટે દેશનાં નાગરિકોએ નાતજાતના કે રાજકીય પક્ષ લેવા કરતા એક સાચા ભારતીય બનીને કર્તવ્ય નિભાવવું પડે.
દેશમાં આજે ઉર્જાસ્વાવલંબન તરફ ઝડપી પગલા લેવા, ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપક પ્રચાર કરવો, રાષ્ટ્રીય પેટ્રોલિયમ રિઝર્વ મજબૂત બનાવવું, અનેક દેશો સાથે વેપાર સંબંધો વિસ્તૃત કરવાં, લોકોને ઈંધણ બચત સમજાવવા માટે ઠેરઠેર કાર્યક્રમો કરવાં, કૃષિ ક્ષેત્રમાં વિકલ્પ ઊર્જા અપનાવવી જેવા અનેક સારા અને નજીવા કારણો અપનાવવા જોઈએ.

અંતમાં, યુદ્ધની છાયા હેઠળ ઊભી થયેલી આ કટોકટી આપણને એક મોટી શિક્ષા આપે છે કે, વિશ્વની સ્થિતિ ભલે આપણા હાથમાં ના હોય, પણ આપણા દેશનું ભવિષ્ય આપણા જ હાથમાં છે. જો આપણે ઊર્જા સ્વાવલંબનની દિશામાં દ્રઢપણે આગળ વધીએ, નવા વિકલ્પોને સ્વીકારીએ તેમજ ઈંધણ પરની આપણી નિર્ભરતા ઘટાડીએ, તો જ આવનારા સમયમાં કોઈપણ વૈશ્વિક લેવલે આવતી ઉથલપાથલ આપણને ટકાવી રાખશે.