ગુજરાત
જય જલિયાણના નાદથી ગુંજ્યું વીરપુર, દિવાળી જેવો ઉત્સવ
શેરીઓ-ગલીઓમાં રોશનીનો ઝળહળાટ, લોકોએ ઘર આંગણે રંગોળીઓ બનાવી ભાવિકોને આવકાર્યા
દેશ-વિદેશમાંથી હજારો ભક્તો ઊમટી પડ્યા, જલારામબાપાના દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો
સવારમાં ભવ્ય શોભાયાત્રા બાદ મહાઆરતી સહિતના કાર્યક્રમો, 225 કિલો કેકની પ્રસાદીનું વિતરણ
‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો’ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની 225મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડેલા જેઓએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ લાખો ભાવિકોની ભીડ ઉમટી…પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી. જય જલીયાણના નાંદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું.
પૂજ્ય જલારામબાપાની 225મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુર વાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દિવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામા આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું.
ત્યાર બાદ પૂજય બાપાની 225મી જન્મ જ્યંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂૂપે વિતરણ કર્યા હતા.
જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામા આવી જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી. સુરતના ગભેણી તેમજ ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને પૂજ્ય બાપાના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી. આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 500 થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ઉન ગામ અને ગભેણીથી નીકળ્યા હતા.
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને 25 વર્ષ થઈ ગયા છે.
આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુંઑએ પ્રસાદ લીધો હતો. અને હજુ પૂજ્ય જલારામબાપાના ભક્તોનો પ્રવાહ અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જ્યંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.