વીરનગર ગ્રામ પંચાયતના સદસ્યનું આંચકીથી મોત

જસદણના વીરનગર ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી હતી. જેમાં ગામના યુવા અગ્રણી અને ગ્રામ પંચાયતના સદસ્ય નિલેષભાઈ ભોલાભાઈ વઘાસીયા (ઉ.વ.35) નું ખાટલામાંથી પડી જવાથી…

જસદણના વીરનગર ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી હતી. જેમાં ગામના યુવા અગ્રણી અને ગ્રામ પંચાયતના સદસ્ય નિલેષભાઈ ભોલાભાઈ વઘાસીયા (ઉ.વ.35) નું ખાટલામાંથી પડી જવાથી ઈજા થતા મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, નિલેષભાઈ બપોરના સમયે જમીને પોતાના ઘરે ખાટલામાં આરામ કરી રહ્યા હતા. બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ તેમને અચાનક ખેંચ આવતા તેઓ સંતુલન ગુમાવી ખાટલામાંથી નીચે પટકાયા હતા. કમનસીબે બાજુમાં જ રાખેલા ટેબલનો તીક્ષ્ણ ખૂણો તેમના કપાળના ભાગે જોરદાર અથડાતા તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર અર્થે આટકોટની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જો કે, ઈજા ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આટકોટ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક નિલેષભાઈ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. તેઓ અપરિણીત હતા અને ખેતીકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂૂપ થતા હતા. ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે પણ તેઓ લોકપ્રિય હતા.