ગુજરાત
કર્મચારી-અધિકારીઓ સામેની તપાસમાં વીડિયો ફૂટેજ-વોટ્સએપ ચેટ અને ઓડિયો માન્ય રહેશે
ડિજિટલ કે ઈલેક્ટ્રોનિક પુરાવા માન્ય કરતો સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર
સરકારના અધિકારીઓ- કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસની કાર્યવાહી હેઠળ હવેથી ઈલેક્ટ્રોનિક પુરાવા તરીકે વિડીયો ફૂટેજની સીડી, વોટસએપના ચેટ- મેસેજીસ વ ઈ-મેઈલ કે પછી ઓડિયો- વીડિયો પણ માન્ય રહેશે. સામાન્ય વહિવટ વિભાગ- જીએડીએ એક પરિપત્ર કરીને ખાતાકીય તપાસની અર્ધન્યાયિક કાર્યવાહીમાં ડિજિટલ, ઈલેક્ટ્રોનિક પુરાવાઓની પ્રમાણભૂતતા તથા ખાતાકીય અને પ્રાથમિક તપાસની કાર્યવાહીમાં વિડિયો કોન્ફરન્સીંગ ટેકનોલોજીના ઉપયોગ અંગે મહત્વની સુચનાઓ આપી છે.
અત્યાર સુધી સરકારમાં અધિકારીઓ કે કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસમાં 16મી ઓક્ટોબર 2018ના પરિપત્રનો આધાર લેવામાં આવતો હતો. જીએડીના સંયુક્ત સચિવ શબાના કુરેશીની સહીથી 15 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિધ્ધ નવા પરિપત્રમાં એ જૂનો પરિપત્ર રદ્દ કર્યાનું જાહેર થયુ છે. જેમાં જણાવાયુ છે કે, 1લી જુલાઈ 2024થી ભારતીય સાક્ષ્ય અધિનિયમ- 2023નો અમલ શરૂૂ થઈ ચૂક્યો છે. આથી, નવા કાયદાની કલમ -2 અને કલમ 57થી 63માં થયેલી જોગવાઈઓ મુજબ ઈલેક્ટ્રોનિક અને ડિજીટલ દસ્તાવેજોને પ્રાથમિક પુરવા અને ગૌણ પુરાવા તરીકેના દસ્તાવેજી પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર, લેપટોપ અને સંચાર ઉપકરણો અને તેમાં સંગ્રહિત કે સર્જિત માહિતી તથા માહિતીના આદાન- પ્રદાનનો પણ પુરાવા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વિડીયો ફુટેજની સીડી, વોટ્સએપના મેસેજ, ટેકસ્ટ મેસેજ અને ઈ-મેઈલ જેવા પુરાવાઓ ઉક્ત અધિનિયમ હેઠળ ડિજીટલ કે ઈલેક્ટોનિક પુરાવા તરીકે માન્યતા ધરાવે છે.
આવા પુરાવાઓની પ્રમાણભૂતતાના સંદર્ભમાં કુદરતી ન્યાયના સિંધ્ધાંત મુજબ અર્થાત જેની સામે આક્ષેપ છે તે આક્ષેપિત અને તપાસ અધિકારીને જે સાહિત્ય કે દસ્તાવેજ સોંપાય તે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી-એફએસએલ મારફતે ફરજિયાતપણે ખરાઈ થયેલા હોવા જોઈશે. અર્ધ ન્યાયિક તપાસના અધિકારીઓને ઓછો પ્રવાસ ખેડવો પડે તેવા ઉદ્દેશ્યથી વિડિયો કોન્ફરન્સથી પણ નિવેદન લઈ શકાય તે માટે વિભાગોને વ્યવસ્થાઓ કરવા માટે ઉક્ત પરિપત્ર મારફતે આદેશ કરવામા આવ્યો છે.