હવે તા.11થી 15 સુધી કાર્યક્રમો, અચાનક ફેરફારથી વહીવટી તંત્ર ધંધે લાગ્યુ
વડાપ્રધાનના કાર્યક્રમો પણ ફાઇનલ, સોમનાથ દાદાના દર્શન કરી રાજકોટ આવશે, 12મીએ અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ
રાજકોટમાં આગામી તા.11 જાન્યુઆરીથી શરૂ થનાર સૌરાષ્ટ્ર રિઝયોનલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ બે દિવસ લંબાવવામા આવ્યો છે. અગાઉ વાઇબ્રન્ટ સમિટ તા.11થી 13 સુધીનો જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ગઇકાલથી સરકારની વેબસાઇટ ઉપર રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ તા.11 થી 15નો જાહેર કરાયો છે. ગઇકાલથી આ કાર્યક્રમમાં અચાનક ફેરફાર જાહેર કરવામાં આવેલ છે.
સુત્રોના કહેવા મુજબ વાઇબ્રન્ટ સમિટમાં યોજાનાર પ્રદર્શન તા.15મી સુધી લંબાવી દેવામાં આવ્યુ છે અને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમોમાં છેલ્લી ઘડી સુધી ફેરફારો થતા વહીવટી તંત્ર ધંધે લાગ્યુ છે. અગાઉ તા.10 થી12, ત્યારબાદ 11થી 13 જાન્યુઆરી નક્કી કરાઇ હતી હવે વાઇબ્રન્ટની વેબસાઇટ ઉપર અચાનક તા.11થી 15 કરી નાખવામાં આવી છે. જોકે, પાછલા બે દિવસના કાર્યક્રમો હજૂ જાહેર કરાયા નથી.
દરમિયાન રોજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્ઘાટન માટે આવનાર વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે. રાજકોટમાં તા.11મીએ બે કલાકના કાર્યક્રમ પૂર્વે તા.10મીએ સાંજે વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચશે અને સંભવત: સોમનાથમાં રાત્રી રોકાણ કરી તા.11મીએ સવારે સોમનાથ મહાદેવના પુજન અર્ચન અને દર્શન કર્યા બાદ રાજકોટ આવશે અને સાંજે વાઈબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન કર્યા બાદ અમદાવાદ પહોંચશે. ગાંધીનગર ખાતે રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ તા.12મીએ અમદાવાદમાં પણ ત્રણ કાર્યક્રમોમાં પી.એમ.મોદી હાજરી આપનાર છે.
અમદાવાદમાં તા.12મીએ અહીં મહાત્મા મંદિર ખાતે યોજાનારી ઇન્ડો-ઇયુ સમિટનું ઉદ્ઘાટન કરશે. આની સાથોસાથ તેઓ વડાપ્રધાન તરીકે પહેલી વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતાઓ છે. રિવરફ્રન્ટના પશ્ચિમી છેડે વલ્લભસદન પાસેના ભાગમાં હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર રોડને રિસર્ફેસ કરવાની કામગીરી પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઇ છે. આ ઉપરાંત આ જ ભાગમાં પાલડી નજીક ઇવેન્ટ સેન્ટર પાસે શરૂૂ થયેલા ફ્લાવર શોની પણ મુલાકાત વડાપ્રધાન લઇ શકે એમ હોવાથી એ દિશામાં સુરક્ષા સહિતની એજન્સીએ તૈયારીઓ શરૂૂ કરી છે.
આ બધા વચ્ચે ઇન્ડો-ઇયુ (ભારત-યુરોપિયન યુનિયન) સમિટ મહાત્મા મંદિર ખાતે યોજાય તેવી શક્યતા છે અને આ સમિટમાં હાજરી આપવા માટે જર્મનીના ચાન્સેલર ફેડ્રીચ મર્ઝ ગુજરાત આવનાર છે. આથી વડાપ્રધાન મોદી તેમના સ્વાગત માટે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ખુદ હાજર રહે તેવી શક્યતા છે.
જર્મન ચાન્સેલર સાથે મેટ્રો ટ્રેનમાં મહાત્મા મંદિર પહોંચશે
એક માહિતી મુજબ જર્મન ચાન્સેલર સાથે વડાપ્રધાન રિવરફ્રન્ટ આવી પહોંચે એવી શક્યતા છે અને ત્યાંથી ફ્લાવર શોની મુલાકાત લઇ બન્ને મહાનુભાવો એસપી સ્ટેડિયમથી મેટ્રો ટ્રેનમાં બેસી મહાત્મા મંદિર પહોંચશે. હાલ મેટ્રો ટ્રેન સચિવાલય સુધીના સ્ટેશને જાય છે અને ત્યાંથી મહાત્મા મંદિર સુધીના બાકીના સ્ટેશનો તૈયાર થઇ ગયા છે. જેને વિધિવત રીતે વડાપ્રધાન મારફતે ખુલ્લા મૂકાય તે દિશામાં હાલ તૈયારીઓ શરૂૂ થઇ છે.

