નવી મુંબઇમાં વાહનને આંતરી 20 કરોડના 16 કિલો સોનાની લૂંટ

નવી મુંબઈના ઠાણે-બેલાપુર માર્ગ પર આવેલા શિરવણે-જુઈનગર એમઆઈડીસી વિસ્તારમાં સોનાની હેરફેર કરતા વાહનને આંતરીને ચાર લૂંટારુઓએ અંદાજે 20 કરોડ રૂૂપિયાની કિંમતનું 16 કિલો 400 ગ્રામ…

નવી મુંબઈના ઠાણે-બેલાપુર માર્ગ પર આવેલા શિરવણે-જુઈનગર એમઆઈડીસી વિસ્તારમાં સોનાની હેરફેર કરતા વાહનને આંતરીને ચાર લૂંટારુઓએ અંદાજે 20 કરોડ રૂૂપિયાની કિંમતનું 16 કિલો 400 ગ્રામ સોનું લૂંટી લીધાની ચોંકાવનારી ઘટના ગુરુવારે રાત્રે બની છે. લૂંટારુઓએ લોખંડના સળિયા વડે વાહનના કાચ તોડી નાખ્યા હતા અને ચાલકને માર મારીને સોનાની બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ દિલધડક લૂંટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે પોલીસે તપાસ તેજ કરીને આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ તેમજ તુર્ભે પોલીસની ચાર અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરુવારે 26 નવેમ્બરના રોજ રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં શિરવણે વિસ્તારમાં ઠાણે-બેલાપુર માર્ગને અડીને આવેલા સર્વિસ રોડ પર આ ઘટના બની હતી. 55 વર્ષીય લક્ષ્મણ ઘુરો મુખિયા પોતાના વાહનમાં સોનાના દાગીના અને સોનાના બાર લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન વેગનઆર કારમાં આવેલા ચાર શખ્સોએ તેમના વાહનનો રસ્તો રોક્યો હતો. કારમાંથી નીચે ઉતરેલા ચારેય આરોપીઓએ લોખંડના સળિયાની મદદથી વાહનનો આગળનો કાચ અને ડ્રાઈવરની બાજુના કાચ ફોડી નાખ્યા હતા. ચાલકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા એક આરોપીએ તેમના ચહેરા પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં તેમના ડાબા આંખના ભાગે ઈજા પહોંચી હતી.

પરિમંડળ-1ના પોલીસ ઉપાયુક્ત વિજય ખરાતે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો અને વાહન કબજે કરી લીધા છે તેમજ આસપાસના વિસ્તારમાંથી મળેલા પુરાવા અને અન્ય માહિતીના આધારે ચાર આરોપીઓની સંડોવણી સ્પષ્ટ થઈ છે.