રાષ્ટ્રીય
એક મહિનામાં શાકાહારી થાળી 7% મોંઘી
ટમેટાં-બટેટાની કિંમતોમાં 50 ટકા સુધી વધારો થતાં મોંઘવારી વધી
મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. હકિકતમાં, નવેમ્બર મહિનામાં શાકાહારી ભોજન વર્ષના પ્રારંભની સરખામણીમાં સાત ટકા વધુ મોંઘુ થઇ ગયું છે. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં શાકાહારી થાળાની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂૂપિયાનો એટલે કે સાત ટકા સુધીનો વધારો થયો છે.
શાકાહારી થાળી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ ટામેટાની કિંમતોમાં 35 ટકા અને બટાટાની કિંમતોમાં 50 ટકાનો વધારો છે. પાછલા મહીને ટામેટાની કિંમત 53 રૂૂપિયા પ્રતિ કિલો અને બટાટાની કિંમત 37 રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત દાળની કિંમતમાં પણ 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં નવા પાકની આવક આવવાથી કિંમતો ઘટવાની શક્યતા છે.
ડિસેમ્બરમાં ટામેટા અને બટાટાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, વાર્ષિક આધારે શાકાહારી થાળીની કિંમતમા વધારો થયો હોવા છતાં ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં બે ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત નવેમ્બરમાં આવક ખર્ચમાં વધારો થવાને લીધે વનસ્પતિ તેલની કિંમતોમાં પણ 13 ટકા સુધીનો વધારો થયો છે.