ગુજરાત

ઐતિહાસિક ધરોહર ઇડરિયા ગઢમાં તોડફોડ

Published

on

રક્ષિત સ્મારકમાં ખજાનો શોધવા ખોદકામ કર્યું, લોખંડના મોટા ગડરની ચોરી


ઈડરિયા ગઢ પર આવેલા ઐતિહાસિક રાજમહેલમાં કોઈ અસામાજિક તત્ત્વોએ ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર ઉઠાવી ગયાનું ધ્યાને આવતાં રાજપૂત સમાજ સહિત પુરાતત્વવિદોમાં રોષ ભભુકી ઉઠયો હતો. આ તત્ત્વોએ મહેલની જમીનમાંથી હીરા-ઝવેરાત કે કોઈ મોટો દલ્લો મળવાની આશાએ ખોદકામ કરી ભોંયતળિયાને પણ મોટું નુકશાન પહોંચાડ્યું છે. ઐતિહાસિક ધરોહરની ગરિમાને આ પ્રકારે નુકસાન પહોંચાડનાર લુખ્ખા તત્ત્વો સામે આકરી કાર્યવાહીની જિલ્લાભરમાંથી માગ ઉઠી છે.


ઈડરની આન-બાન અને સાન સમા ગઢ પર આવેલો ઐતિહાસિક દોલત વિલાસ પેલેસ હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. પેલેસને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ અહીં અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર પણ વધી હતી. આ તત્ત્વો ઘણીવાર એકલદોકલ પ્રવાસીઓને હેરાન-પરેશાન કરતાં હોવાની બુમરાડ પણ સમયાંતરે ઉઠતી રહે છે. ચોરી-લૂંટના બનાવો પણ સામે આવ્યા હોવા છતાં તંત્રની ચુપકીદીથી આવા તત્ત્વોની હિંમત ખુલી થઈ છે.


અગાઉ પેલેસના બારી બારણાં ચોરાતાં અને કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ગંધ રાજપૂત સમાજને આવી જતાં દરવાજા બંધ કરી દેવાયા હતા. તેમ છતાં ધરોહરની ગરિમાને લાંછન લગાવનારા તત્ત્વોએ અન્ય રસ્તો શોધી કાઢી પેલેસમાં અવરજવર વધારી દીધી હતી. અહીં પેલેસની દીવાલોને પણ કાળા કોલસાથી પ્રેમલા-પ્રેમલીના ચિતરામણ થકી ગંદી કરી મુકી છે.


આ દરમિયાન ફરી એકવાર કોઈ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોએ પેલેસને નિશાન બનાવતાં પેલેસની છતની દીવાલમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડયું છે. ઉપરાંત ખજાનાની શોધમાં ભોંયતળિયામાં ખોદકામ કરી તળિયાને પણ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયાનું પણ ધ્યાને આવ્યું છે. ઐતિહાસિક ધરોહર સમા મહેલને નુકસાન થયાની બાબત સામે આવ્યા બાદ ક્ષત્રિય હિતકારીણી સભાના આગેવાનોએ મહેલમાં જઈ તપાસ હાથ ધરવા સાથે પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ હાથ ધરી છે.


ઈડરિયા ગઢ પર પોલીસ પોઇન્ટ મૂકવાની માગ સાથે રાજપૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, અહીં આખો દિવસ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર રહે છે. આવા તત્ત્વો એકલદોકલ પ્રવાસી કે કપલને હેરાન પરેશાન કરતા હોય છે. સાંજે છ વાગ્યા બાદ અહીં ચરસ-ગાંજો વેચનારા અને બંધાણીઓની પણ મહેફિલો જામે છે. ગઢની તળેટીમાં ખુલ્લેઆમ કોઈ રોકટોક વિના જુગાર રમવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version