માત્ર 19 બોલમાં ફિફ્ટી ફટકારી, અંડર-19 વન ડેમાં ઝ20 જેવી ફટકાબાજી
દક્ષિણ આફ્રિકાની ધરતી પર હાલમાં ભારતીય જુનિયર ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બેનોની ખાતે રમાયેલી ભારત અંડર-19 અને દક્ષિણ આફ્રિકા અંડર-19 વચ્ચેની બીજી યુથ વનડે મેચમાં એક એવું તોફાન આવ્યું જેણે યજમાન ટીમના બોલરોને પરસેવો લાવી દીધો. ભારતીય યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી.
ડાબોડી બેટ્સમેને માત્ર 21 બોલનો સામનો કરીને 10 ગગનચુંબી છગ્ગા ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. તેની આક્રમક રમત જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ રોમાંચિત થઈ ગયા હતા.
વૈભવ સૂર્યવંશી જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે તેનો ઈરાદો સ્પષ્ટ હતો. તેણે વનડે મેચને ટી20 ફોર્મેટ સમજીને રમવાનું શરૂૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે તેણે પોતાની અડધી સદી માત્ર 19 બોલમાં પૂરી કરી હતી અને તે પણ એક પણ ચોગ્ગો માર્યા વગર! જ્યારે તેણે 50 રનનો આંકડો પાર કર્યો ત્યારે તેના ખાતામાં 8 તોતિંગ છગ્ગા બોલતા હતા. એટલે કે 48 રન તો તેણે માત્ર હવામાં શોટ રમીને જ બનાવ્યા હતા. આખરે તેણે 24 બોલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું, જેમાં કુલ 10 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
વૈભવની બેટિંગ એટલી ખતરનાક હતી કે બોલ વારંવાર સીમારેખાની બહાર જઈ રહ્યો હતો. મેચ દરમિયાન એક રમુજી અને આશ્ચર્યજનક ઘટના પણ બની. સૂર્યવંશીએ જ્યારે ઇનિંગનો 7 મો સિક્સર માર્યો ત્યારે બોલ સ્ટેડિયમની બહાર જઈને ગાયબ થઈ ગયો હતો. ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા લાંબી શોધખોળ કરવા છતાં બોલ ન મળતા થોડીવાર માટે મેચ અટકાવવી પડી હતી અને આખરે બીજો બોલ મંગાવવો પડ્યો હતો. જોકે, બોલ બદલાયા બાદ પણ વૈભવનો આક્રમક મિજાજ યથાવત રહ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના બોલરો બાસન અને બાયંડા માજોલા માટે આ મેચ કોઈ ખરાબ સપના જેવી હતી. વૈભવે પહેલા જ બોલથી પ્રહાર કરવાનું શરૂૂ કર્યું હતું. તેણે પહેલી ઓવરમાં 2 સિક્સર, ત્યારબાદ બીજી અને ત્રીજી ઓવરમાં એક-એક અને પાંચમી ઓવરમાં ફરી 2 સિક્સર ફટકારી હતી. આઠમી ઓવરના પહેલા બોલે સિક્સર મારીને તેણે ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, નવમી ઓવરના પહેલા બોલે મોટો શોટ રમવાના પ્રયાસમાં તે આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે મેચનું પાસું પલટી નાખ્યું હતું.

