બેકાબૂ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી, પોલીસે આઠ ટીયર ગેસ છોડયા, 30 લાખના વળતર બાદ મામલો થાળે
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલામસર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકના મોત બાદ ભારે ઉત્તેજના અને હિંસા ફાટી નીકળી હતી. કંપની પાસેથી યોગ્ય વળતર અને ન્યાયની માગણી સાથે ઉમટી પડેલા ગ્રામજનો અને પરિવારજનોના વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં પોલીસ કાફલા પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ સરકારી અને ખાનગી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે લાઠીચાર્જ કરી ભીડને વિખેરવા માટે 8 ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ હિંસક અથડામણમાં ત્રણ પોલીસકર્મી સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સમગ્ર ઘટનાની વિગતો મુજબ, કલામસર સ્થિત ’રોહન ડાઈઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ લિમિટેડ’ (Rohan Dyes and Inter mediates Ltd) નામની ફેક્ટરીમાં માત્ર 15 દિવસ પહેલાં જ નોકરીએ જોડાયેલા રણજીતસિંહ નટુભાઈ સિંઘા અને અન્ય એક આદિવાસી શ્રમિક શક્તિસિંહ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમના પર એક ભારે લોખંડનો થાંભલો (ઈંજ્ઞિક્ષ ાજ્ઞહય) પડ્યો હતો. જેમાં શક્તિસિંહને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે રણજીતસિંહના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ખંભાતની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
રણજીતસિંહના મોતના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતાં જ રોષે ભરાયેલા ગ્રામજનો અને પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ કંપની તરફ કૂચ કરી ગયા હતા. મૃતકના પરિવારમાં પત્ની અને બે નાના બાળકો હોવાથી પરિવારે કંપની સમક્ષ રૂૂ. 50 લાખના વળતરની માગણી કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ટોળાંને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા સમાધાન માટે વાટાઘાટો ચાલી રહી હતી. તે દરમિયાન મામલો વધુ ગરમાયો હતો અને ટોળાંમાંથી અચાનક પોલીસ અને કંપની પર ભારે પથ્થરમારો શરૂૂ કરી દેવાયો હતો.
ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એચ. બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્થિતિ અચાનક વણસી ગઈ હતી અને લોકોએ મોટા પાયે પથ્થરમારો શરૂૂ કરી દીધો હતો, જેમાં પોલીસ વાહનોના કાચ તૂટી ગયા હતા અને 3 પોલીસ જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે 8 ટીયરગેસના શેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ખંભાત, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) અને પેરોલ ફર્લો સ્ક્વોડ સહિત વધારાનો પોલીસ કાફલો કલામસર ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પ્રાંત અધિકારી કુંજલ શાહ, સ્થાનિક વહીવટી અધિકારીઓ, પોલીસ અને ગામના સરપંચની મધ્યસ્થીથી કંપની સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કંપની તરફથી મૃતકના પરિવારને રૂૂ. 30 લાખનું વળતર ચૂકવવાની સહમતી સધાતાં મામલો થાળે પડ્યો હતો. અધિકારીઓએ મૃતકના પરિવારને રૂૂ. 30 લાખનો ચેક સોંપ્યો હતો. ખંભાત ગ્રામ્ય પોલીસે ફેક્ટરીમાં અકસ્માતે મોતના મામલે ગુનો નોંધી લોખંડનો થાંભલો કેવી રીતે પડ્યો તેની તપાસ હાથ ધરી છે, જ્યારે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવા બદલ તોફાની તત્વો સામે અલગથી ફોજદારી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નાઇટ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.
