ઉજ્જૈનમાં શાહી મસ્જિદ ડિમોલિશન મુદ્દે હોબાળો: પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ

  મધ્યપ્રદેશના ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં શાહી મસ્જિદના એક ભાગને હટાવવાને લઈને હોબાળો મચી ગયો છે. પોલીસની કાર્યવાહી સામે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.…

 

મધ્યપ્રદેશના ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં શાહી મસ્જિદના એક ભાગને હટાવવાને લઈને હોબાળો મચી ગયો છે. પોલીસની કાર્યવાહી સામે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

ઉજ્જૈનના ટાંકી ચોકડી વિસ્તારમાં 100થી વધુ લોકો એકઠા થયા હતા. મસ્જિદ પાસે ભીડ વધતાં પોલીસે લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.મહિલાઓને રસ્તા પરથી હટાવતી વખતે ક્રાઇમ બ્રાંચનાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પુષ્પા પાંચાલ ઈજાગ્રસ્ત થયાં હતાં.

શાહી મસ્જિદને તોડી પાડવાની સંભવિત કાર્યવાહી અંગેના છેલ્લા બે દિવસના અહેવાલો બાદ, મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને મુસ્લિમ સમુદાયના સભ્યો વિરોધ કરવા માટે મસ્જિદની બહાર એકઠા થયા હતા.

મહત્વનું છે કે, વર્ષ 2028માં ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભ યોજાવાનો છે. જેને લઈને કંઠાલ ચોકડીથી ગોપાલ મંદિર સુધીના 900 મીટર લાંબા રસ્તાને 15 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ બાબતે કાનૂની લડાઈ પણ ચાલી રહી છે. મુસ્લિમ સમુદાયના એક જૂથે શાહી મસ્જિદને બચાવવા માટે ઈન્દોર હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, કારણ કે રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટને કારણે તેને તોડી પાડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જ મામલે સોમવારે હાઇકોર્ટની ઇન્દોર બેંચમાં સુનાવણી પણ થવાની છે. રસ્તા પહોળા કરવાની કામગીરી અને મસ્જિદના ભાગને હટાવવાના મુદ્દે હવે કોર્ટની સુનાવણી પર સૌની નજર છે.