જૂનાગઢના કેવડાવાડી રેલવે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવામાં જીવાતો અને ઈયળો નીકળવા તથા વાસી શાકભાજી અને ફ્રૂટ અપાવાના ગંભીર આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી ભોજનની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.
તાજેતરમાં જ બપોરના સમયે જમતી વેળાએ દાળ-ભાતમાં જીવડું કે ઈયળ નીકળવાની ઘટના સામે આવી હતી તેમજ કોઠાર રૂૂમ અને ફ્રિજમાં રાખેલા ટમેટા તથા મરચામાંથી પણ ઈયળો અને ધાણેરા નીકળ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી. નોંધનીય છે કે અગાઉ કલેક્ટર કચેરી નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
જમવાની અનિયમિતતા અને ખરાબ ગુણવત્તા ઉપરાંત હોસ્ટેલની ભૌતિક પરિસ્થિતિ પણ અત્યંત દયનીય છે. બિલ્ડિંગની હાલત રહેવાલાયક નથી, જ્યાં વરસાદના સમયમાં રૂૂમની છતમાંથી પાણી ટપકે છે, દિવાલોના પ્લાસ્ટર ઉખડી ગયા છે અને બાથરૂૂમની હાલત પણ ખૂબ ખરાબ છે. આ ઉપરાંત વર્ષોથી વિદ્યાર્થીઓને બેડ, રૂૂમની અંદર ગંદકી અને પંખાની પૂરતી સુવિધા જેવી અનેક સમસ્યાઓ સતાવે છે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે સરકારના પ્રવર્તમાન નિયમો અને ટેન્ડર મુજબ પૂરતી સુવિધાઓ આપવામાં આવે તથા આ કોન્ટ્રાક્ટ પદ્ધતિને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે.
આ બાબતે હોસ્ટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એડવોકેટ તેજસ બથવારે જણાવ્યું હતું કે છાત્રાલય બાબતે વિદ્યાર્થીઓની રજૂઆતો અને આવેદનો અવારનવાર આપવામાં આવે છે છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી. હાલમાં ડી.કે. વાડિયા સાહેબ દ્વારા અહીં મસકત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી પોતાના પ્રશ્નોનું વહેલું નિવારણ લાવવા માટે રજૂઆત કરે છે પરંતુ કોઈ નિવારણ આવતું નથી.
પાછલા દરવાજેથી કોને અને કયા હપ્તા કે પૈસા મળે છે તથા કોણ ભ્રષ્ટાચાર કરે છે તે કોઈ જાણતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ થતા નથી. અહીં વર્ષોથી વિદ્યાર્થીઓને બેડ, ગંદકી અને પંખાની સમસ્યા રહે છે તથા સરકારના ટેન્ડર મુજબ વિદ્યાર્થીઓને મળવું જોઈએ તે મળતું નથી. વિદ્યાર્થીઓ જ્યારે સરકારના ઠરાવ મુજબ અવારનવાર રજૂઆત કે માંગણી કરે ત્યારે કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવતી નથી. તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના વંશજ છે અને આ વિદ્યાર્થીઓ સાથે નક્સલવાદી જેવું વર્તન કરવામાં આવે છે.
હોસ્ટેલના વિદ્યાર્થી પ્રદીપ ચાંડપાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાની અંદર આવેલા કોન્ટ્રાક્ટમાં જમવામાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, જેમ કે જમવામાં ટામેટામાં ફ્લાવર અને અન્ય વસ્તુઓ બગડેલી પડતી હોય છે. આ મુદ્દે અવારનવાર જાણ કરવા છતાં કોઈ સોલ્યુશન આવતું નથી. આજે બપોરે જમતી વખતે દાળ-ભાતમાંથી જીવડું આવ્યું હતું, પછી બધા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રૂૂમમાં વરસાદના સમયગાળામાં પાણી પડે છે, પ્લાસ્ટર ઉખડી જાય છે અને બાથરૂૂમમાં પણ પ્રોબ્લેમ છે. અમારી માંગ માત્ર એટલી જ છે કે અમારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જોતી નથી અને ક્વોલિટી-ક્વોન્ટિટી સારી જોઈએ.
કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે અને બજેટમાંથી રિનોવેશન થશે
આ સમગ્ર મામલે ઇન્ચાર્જ નાયબ નિયામક અનુજાતિ સમાજ કલ્યાણના અધિકારી ચેતન પરમારે જણાવ્યું હતું કે, સરકારે હમણાં તૈયાર ભોજનની જે નીતિ અપનાવી છે અને અમારા વિભાગે તે પ્રમાણે ટેન્ડર આપીને વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ જથ્થો, ભોજન વ્યવસ્થા અને સફાઈ આ બધી વ્યવસ્થા કરવાની જવાબદારી ભોજન લેનાર કોન્ટ્રાક્ટરની છે. તેમના તરફથી જો કોઈ બેદરકારી દર્શાવી હોય તો આનો જવાબ કોન્ટ્રાક્ટરે આપવો પડે, અને આપણે તેમને કાયદેસર રીતે નોટિસ બજાવીશું.
