ઉના પંથકમાં વાઝડી સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો

જિલ્લાના ઉના, ગીરગઢડા સહિત સમગ્ર ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતાવરણ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન અને ગાજવીજ…

જિલ્લાના ઉના, ગીરગઢડા સહિત સમગ્ર ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતાવરણ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક ચોમાસા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. ભારે પવનના સુસ વાટા સાથે કેટલાક વિસ્તારોમાં જાણે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો કેટલાક સ્થળોએ કમોસમી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે.

આ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરી સહિતના ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ કેરીની સિઝન પૂરબહારમાં ખીલી છે અને ખેડૂતો સારી આવકની આશા રાખી રહ્યા હતા. ત્યારે અચાનક વરસાદ વરસવાથી તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાસ કરીને ગીરગઢડા નજીકના ગીર વિસ્તારમાં આવેલા કેરીના બગીચાઓને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે પવનને કારણે કેરીની મોટા પ્રમાણમાં ખેરખરી થઈ છે અને વરસાદી પાણીથી ફળ બગડવાનો ભય પણ ઉભો થયો છે.

ગીરગઢડા તાલુકાના હરમડિયા, પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા, બાબરિયા, થોરડી, ભાખા સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત ગીર જંગલ નજીકના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

ખેડૂતોએ જણાવ્યું કે, “આખા વર્ષની મહેનત અને ખર્ચ બાદ કેરીનો પાક તૈયાર થયો છે. બજારમાં ભાવ પણ સારા મળી રહ્યા છે. પણ આ કમોસમી વરસાદે બધી મહેનત પર પાણી ફેરવી દીધું. પવનમાં કેરી ખરી પડી છે અને વરસાદથી બગડશે તો અમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.”

હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તલ, બાજરી, મગફળી જેવા ઉનાળુ પાકોને પણ નુકસાન થવાની ભીતિ છે. તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.