ચોટીલામાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો

યાત્રાધામ ચોટીલામાં જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મેડિકલ ડિગ્રી વગર…

યાત્રાધામ ચોટીલામાં જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપી લોકોના જીવ સાથે રમત રમતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની નિગરાની હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત એસ.ઓ.જી. શાખાને મળેલી ગુપ્ત બાતમીના આધારે પવિત્ર યાત્રાધામ ચોટીલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખુલ્યું કે હાલ ચોટીલાની હરિધામ સોસાયટીમાં રહેતો વિશાલ વિઠ્ઠલભાઈ સોરાણી (ઉ.વ. 33) કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ચોટીલાની આદેશ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે દર્દીઓને એલોપેથીક સારવાર આપી રહ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સણોસરા પીએચસીના ક્લાસ 2-ડોક્ટરની હાજરીમાં ડમી દર્દી મોકલી સમગ્ર હકીકતની ચકાસણી કરી હતી. સારવાર આપતા સમયે જ આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

પ્રાથમિક પુછતાછમાં ઝડપાયેલ શખ્સ છેલ્લા સાત વર્ષથી આ જ પ્રકારે દર્દીનું પરિક્ષણ કરી સારવાર કરતો હોવાની પોલીસને કબુલાત આપી હતી. બોર્ડ ઉપર મોટી માન્ય ડીગ્રી ધારક ડોકટરોના નામ લખાય છે. પરંતુ સારવાર સમયે કંઇક અલગ જ વાસ્તવિકતા હોવાનું કહેવાય છે ત્યારે ચોટીલા અને ગ્રામ્ય વિસ્તારમાં આવી અનેક હાટડીઓ હોવાની ચર્ચા છે. ત્યારે આ અંગે તમામ સ્તરે ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આરોપી સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય જેવી સંવેદનશીલ સેવાઓમાં બોગસ ડોક્ટરોની ઘૂસણખોરી સમાજ માટે ગંભીર ખતરો બની શકે છે. એસ.ઓ.જી.ની આ કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.