સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની મનાય છે. અહીં 205 વર્ષ જૂની પરંપરા મુજબ એક દિવસ વહેલા જ બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પાછળ ગામ સાથે જોડાયેલી એક રસપ્રદ લોકવાયકા પણ છે.
લોકવાયકા મુજબ વર્ષો પહેલા ચડોતર ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાના કારણે મોટી સંખ્યામાં લોકો તેમજ પશુઓના મોત થયા હતા. સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
આ સમયે ગ્રામજનો ગામના શિવજીના મંદિરમાં રહેતા એક તપસ્વી સંત પાસે પહોંચ્યા અને સમગ્ર સ્થિતિ અંગે વાત કરી. ત્યારે સંતે ગામના લોકોની સુખ-સમૃદ્ધિ અને સલામતી માટે એક ઉપાય સૂચવ્યો હતો.સંતના કહેવા મુજબ આખા ગામમાંથી દૂધ એકત્ર કરવામાં આવ્યું અને ગામના દરેક ખૂણે દૂધનો છંટકાવ કરવામાં આવ્યો. લોકવાયકા મુજબ ત્યારબાદ ગામમાં ફેલાયેલો રોગચાળો શાંત થયો.
ત્યારબાદ સંતે ગ્રામજનોને કહ્યું કે આજ પછી રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી ન બાંધે, પરંતુ એક દિવસ અગાઉ રાખડી બાંધે.ત્યારથી આજદિન સુધી ચડોતર ગામમાં આ પરંપરા જળવાઈ રહી છે. આજે પણ ગામની તમામ દીકરીઓ એક દિવસ પહેલાં પોતાના ભાઈઓને રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.આમ, બદલાતા સમય વચ્ચે પણ ચડોતર ગામે પોતાની 205 વર્ષ જૂની અનોખી પરંપરાને આજે પણ જીવંત રાખી છે.
