રાષ્ટ્રીય
એકતરફી મુસ્લિમ છૂટાછેડા માન્ય નહીં, પત્નીને વળતર અને ભરણપોષણનો હક
મુસ્લિમ છૂટાછેડા અંગે મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો પતિ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાને પત્ની નકારી રહી હોય તો માત્ર અદાલત દ્વારા જ છૂટાછેડા થઈ શકે છે. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે તમિલનાડુની શરીયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજા લગ્ન કરી ચૂકેલા પતિને એ પણ આદેશ આપ્યો છે કે તે પ્રથમ પત્નીને વળતર અને ભરણપોષણ ખર્ચ આપે.
હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને આ મહત્વના ચુકાદામાં એ પણ કહ્યું કે જો પતિ બીજા લગ્ન કરે તો પ્રથમ પત્નીને તેની સાથે રહેવા માટે મજબૂર કરી શકાય નહીં. મુસ્લિમ પર્સનલ લોમાં પુરુષોને એકથી વધુ લગ્નની મંજૂરી છે. તેમ છતાં આનાથી પ્રથમ પત્નીને માનસિક પીડા થાય છે. આવા કિસ્સામાં ઘરેલુ હિંસા કાયદાથની કલમ 3 હેઠળ આને ક્રૂરતા તરીકે જોઈ શકાય છે. જો પ્રથમ પત્ની પતિના બીજા લગ્નથી સંમત ન હોય તો કલમ 12 હેઠળ તે અલગ રહેવા અને પતિ પાસેથી ભરણપોષણ ખર્ચ મેળવવાની હકદાર છે.
જે કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે, તેમાં બંને પક્ષકારોના લગ્ન 2010માં થયા હતા. વર્ષ 2018માં પત્નીએ ઘરેલુ હિંસા કાયદાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. જવાબમાં પતિએ દાવો કર્યો કે તેણે સ્ત્રીને છૂટાછેડા આપી દીધા છે. મુસ્લિમ પર્સનલ લોમાં છૂટાછેડા માટે ત્રણ નોટિસ જરૂૂરી હોય છે. કોર્ટ સમક્ષ માત્ર પ્રથમ અને બીજી નોટિસ જ રજૂ કરી શકાઈ.
પતિએ તમિલનાડુ મુસ્લિમ તૌહીદ જમાતની શરીયત કાઉન્સિલના ચીફ કાઝીનું એક પ્રમાણપત્ર રજૂ કર્યું. 29 નવેમ્બર 2017ની તારીખથી જારી આ પ્રમાણપત્રમાં કાઝીએ છૂટાછેડાને માન્યતા આપી હતી. આ માટે આધાર એ બાબતને બનાવવામાં આવ્યો હતો કે પતિના પિતાએ છૂટાછેડા થઈ ગયા હોવાની પુષ્ટિ કરી. હાઈકોર્ટે કહ્યું કે ત્રીજી નોટિસની જગ્યાએ પિતાની સાક્ષીના આધારે છૂટાછેડાને માન્યતા મળી શકે નહીં.
હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે શરીયત કાઉન્સિલ કે આવી કોઈપણ ખાનગી સંસ્થા છૂટાછેડાનું પ્રમાણપત્ર આપી શકે નહીં. જો છૂટાછેડા અંગે વિવાદ હોય તો પતિએ કાયદા હેઠળ સ્થાપિત અદાલતમાં જવું જોઈએ. ત્યાં જ નિર્ણય થઈ શકે કે ખરેખર છૂટાછેડા થયા કે નહીં. આવા કિસ્સામાં હાઈકોર્ટે એ માનવાનો ઇનકાર કરી દીધો કે પક્ષકારો વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યા છે. હાઈકોર્ટે નીચલી અદાલતના એ આદેશને પણ માન્ય રાખ્યો, જેમાં પતિને કહેવામાં આવ્યું હતું કે તે પત્નીને પોતાની માનસિક ક્રૂરતા માટે 5 લાખ રૂૂપિયા વળતર આપે અને દર મહિને 2500 રૂૂપિયા ભરણપોષણ ભથ્થું પણ આપે.