જામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલો

જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે ખેતીની જમીનના વિવાદમાં સગા મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે મામા સહિત બે આરોપીઓ…

જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે ખેતીની જમીનના વિવાદમાં સગા મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે મામા સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદી વિમલભાઈ સોમાતભાઈ વાણીયા (ઉં.વ. 34), (હાલ જડેશ્વર પાર્ક, ખેતલાદાદાની ડેરી પાસે, જામનગર અને મૂળ રહેવાસી ભુપત આંબરડી ગામના) જણાવ્યા મુજબ, તેમની માતાના સંયુક્ત નામે આવેલી ખેતીની જમીનમાં તેમના મામા સવદાસભાઈ વાવેતર કરતા હોવાથી તેમને વાવેતર ન કરવા જણાવવા માટે તેઓ અને તેમની માતા 17 જુલાઈના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે ખેતરે ગયા હતા.

ત્યાં સવદાસભાઈ તથા તેમની પત્ની હાજર હતા. આ દરમિયાન જમીનના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ સવદાસભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી હાથમાં રહેલી લાકડી વડે ડાબા પગમાં માર મારતા તેઓ ખેતરની વંડી પરથી નીચે પડી ગયા હતા અને તેમને ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમની માતાએ વચ્ચે પડી તેમને બચાવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બંને આરોપીઓએ ફરિયાદીને જમીનમાં ફરી ક્યારેય પગ નહીં મૂકવાની ધમકી આપી, ગાળાગાળી કરી તેમજ ટાંગો ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સમક્ષ નોંધાયેલી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ઘરમાં ઘૂસી યુવક પર તલવાર-ધારિયાથી હુમલો
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ઘર ઘૂસી યુવક પર તલવાર, ધારિયું અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલો રોકવા વચ્ચે પડેલી ફરિયાદીની માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જામવાડી ગામના રબારીવાડામાં રહેતા જયેશભાઈ વસ્તાભાઈ કોડિયાતર (ઉ.વ. 29)ની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસ મથકે કમાભાઈ ભીખાભાઈ મકવાણા, ભીમા કમાભાઈ મકવાણા, પાંચા કારાભાઈ મકવાણા અને નારણભાઈ કારાભાઈ મકવાણા (તમામ રહે. વાનાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) સામે ગુનો નોંધ્યો છે.

આરોપી ભીમા મકવાણાના ટ્રેક્ટરો ફરિયાદીના ઘર પાસેથી પસાર થતાં સમયે ઊંચા અવાજે ગીતો વગાડવામાં આવતા હતા. ફરિયાદીએ ગીતો બંધ કરવા અથવા અન્ય રસ્તેથી ટ્રેક્ટર લઈ જવા કહેતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓ ટ્રેક્ટરમાં તલવાર, ધારિયું અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે ફરિયાદીના ઘરે ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમજ ફરિયાદીની માતાને પણ માર મારી ઈજાગ્રસ્ત કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.