દ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા

કલ્યાણપુરમાં કાળા પથ્થરની ખાણનો વ્યવસાય કરતા ધંધાર્થીને હેરાનગતિ ન કરવા લાંચ માંગી હતી; રૂા.20 લાખની લાંચનો વહીવટ નક્કી કરાયો હતો, ફરિયાદીના મિત્રની ઓફિસમાં 5 લાખનો…

કલ્યાણપુરમાં કાળા પથ્થરની ખાણનો વ્યવસાય કરતા ધંધાર્થીને હેરાનગતિ ન કરવા લાંચ માંગી હતી; રૂા.20 લાખની લાંચનો વહીવટ નક્કી કરાયો હતો, ફરિયાદીના મિત્રની ઓફિસમાં 5 લાખનો પ્રથમ હપ્તો લેવા આવતા જ સાણસામાં આવી ગયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કાળા પથ્થરની ખાણના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદીને હેરાનગતિ ન કરવા માટે રૂૂ. 20 લાખની લાંચની માંગણી કરવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ગોઠવાયેલા સફળ છટકામાં હરીપર ગામના સરપંચ સહીત બે શખ્સોને રૂૂ. 5 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હરીપર ગામ ખાતે આવેલી કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા ખોટી હેરાનગતિ ન કરવામાં આવે તે માટે સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. 55) અને જીવાભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. 41) દ્વારા ફરિયાદી અને તેના ભાગીદાર પાસે શરૂૂઆતમાં રૂૂ. 30 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં રકજકના અંતે રૂૂ. 20 લાખમાં સોદો નક્કી થયો હતો. તે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂૂ. 5 લાખ આજરોજ આપવા જણાવતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબી જામનગર દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ફરિયાદીના મિત્રની ઓફિસ ખાતે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

છટકા દરમિયાન બંને આક્ષેપીતોએ ફરિયાદી અને સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી અને રકમ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સફળ ટ્રેપની કામગીરી શ્રી એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી પોલીસ સ્ટેશન જામનગર તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કામગીરીનું સુપરવિઝન શ્રી જે.ડી. મેવાડા, મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એસીબી રાજકોટ રહ્યા હતા. એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.