Site icon Gujarat Mirror

બોરસદ હાઇવે પર ટ્રક-પીકઅપ વાનની ટક્કર બાદ ભભૂકેલી આગમાં બે લોકો ભડથું

આણંદ જિલ્લાના વાસદબોરસદ હાઈવે પર અંબાવ ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયેલી ભયાનક ટક્કર બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં પીકઅપ વાનમાં હાજર બે લોકો જીવતા ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના કરુણ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, પીકઅપ વાન અચાનક બગડી જતાં તેને રોડની વચ્ચે ઊભી રાખીને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટ્રકએ નિયંત્રણ ગુમાવી પીકઅપ વાનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તરત જ મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે પીકઅપ વાન તેમજ ટ્રકમાં ગણતરીની મિનિટોમાં આગ ભભૂકી ઊઠી હતી.

આગ એટલી વિકરાળ હતી કે બંને વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા. પીકઅપ વાનમાં રહેલા બે લોકો બહાર નીકળી શકે તે પહેલાં જ આગમાં ફસાઈ ગયા હતા અને જીવતા ભડથું થઈ ગયા હતા. ઘટનાસ્થળે ધુમાડાના ગોટા ઊડી રહ્યા હતા અને હાઈવે પર દોડધામ તથા ભયનું માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા બચાવની કોશિશો કરવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતાને કારણે કોઈને નજીક જવાની હિંમત થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગે લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માત અને આગના કારણે વાસદબોરસદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ હાથ ધરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

Exit mobile version