ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા ગયેલા પરિવારના મહિલા પર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં સામે સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોંડલના ભગવતપરા શેરી નં. 29/16 ખાતે રહેતા 52 વર્ષીય જસવંતીબેન ઉર્ફે નીતાબેન રામજીભાઈ મકવાણાએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ઉષાબેન દેવેન્દ્રભાઈ બાબરીયા, દેવેન્દ્રભાઈ બાબરીયા અને નરેન્દ્રભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તારીખ 27 ઓગસ્ટ 2026ના રોજ બપોરના આશરે દોઢ વાગ્યાના સુમારે જસવંતીબેન તથા તેમનો પુત્ર પિન્ટુ અને પુત્રવધૂઓ ઘરે હાજર હતા. તે સમયે તેમના ઘરની ડેલી પાસે જઈને ઉષાબેન દેવેન્દ્રભાઈ બાબરીયા તથા તેમના પતિ દેવેન્દ્રભાઈ બાબરીયા અચાનક આવીને ગાળો બોલવા લાગ્યા હતા. જસવંતીબેને ગાળો આપવાની ના પાડી “અહીં અમારા ઘરે શું કરવા આવ્યા છો?” તેમ કહેતા જ આરોપી ઉષાબેન ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જસવંતીબેન સાથે ઝગડો કરી તેમને ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું.
બંને પતિ-પત્નીએ માથાકૂટ કરી જસવંતીબેનને નીચે પછાડી દઈ મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ વેળાએ પરિવારજનો અને આસપાસના લોકોએ વચ્ચે પડી મહિલાને વધુ મારમાંથી બચાવ્યા હતા. જતા-જતા બંને આરોપીઓ પરિવારને પતાવી દેવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.ઈજાગ્રસ્ત જસવંતીબેનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઉષાબેનનો દિયર નરેન્દ્ર ટપુભાઈ બાબરીયા પણ ત્યાં ધસી આવ્યો હતો. તેણે પણ હોસ્પિટલ પરિસરમાં જ ગાળો આપી, હજી તમારા દીકરા રૂૂત્વિકને મારવો છે તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગોંડલ પ્રાથમિક સારવાર બાદ મહિલાને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, હુમલાનું કારણ એવું છે કે, ઉષાબેનને જસવંતીબેનના નાના દીકરા રૂૂત્વિક સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. પરંતુ રૂૂત્વિકના લગ્ન થઈ ગયા હોવાથી દશેક દિવસ પહેલાં જસવંતીબેને ઉષાબેનને આ સંબંધ હવે ન રાખવા બાબતે સમજાવ્યા હતા.
આ બાબતનું મનદુખ રાખી આરોપીઓએ આ હુમલો કર્યો હતો.
સામા પક્ષે આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરતા ઉષા બેનને જસવંતીબેન રામજીભાઇ મકવાણા,પિન્ટુભાઇ રામજીભાઇ મકવાણા,માલુબેન પ્રેમજીભાઇ મકવાણા અને પ્રેમજીભાઈની નાની દિકરી સામે મારમાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોંડલ સીટી પોલીસે જસવંતીબેન અને ઉષાબેનની ફરિયાદના આધારે સામે સામે ગુનો નોંધ્યો છે.
