Site icon Gujarat Mirror

બોટાદના પાળિયાદ નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા, મહિલા સહિત બેના મોત

બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીપરડી ગામનો એક પરિવાર બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે પાળીયાદ-રાણપુર રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર સાથે તેમની ટક્કર થઈ હતી. બાઈક પર કુલ 4 વ્યક્તિઓ (1 પુરુષ, 2 મહિલા અને 1 બાળક) સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક અને એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું.

મૃતકોમાં અમિત કનેટીયા અને જસુબેન (રહે. પીપરડી).નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય એક મહિલા અને બાળકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાળીયાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version