ગુજરાત
જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ
બંને યુવાન મધરાત્રે ચા પીવા ઊભા રહેતા કારમાં ઘસી આવેલા કેટરર્સના પૂર્વ ભાગીદારોએ માર મારી પ500ની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવારમાં
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ દિન બદીન ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો આવી રહયો છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે મધરાતે કેટરર્સના બે ધંધાર્થી મિત્રો ચા પીવા માટે ઉભા રહયા હતા. તે દરમિયાન કેટરર્સના પુર્વ ભાગીદારે કાર લઇને ધસી આવ્યા હતા અને જુની અદાવતનો ખાર રાખી બંને મિત્રો પર છરી વડે હુમલો કરી રૂ. પ500 રોકડ ભરેલુ જેકેટ અને રૂ. પ0 હજારની કિંમતનો મોબાઇલ તેમજ કારની ચાવીની લુંટ ચલાવી નાસી છુટયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા સોહમસિંગ ચીમનસિંહ સિંગ (ઉ.વ. 31) અને શનીભાજી ક્રિપાલસિંગ સિંગ (ઉ.વ. 31) રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં અવધના ઢાળીયા પાસે પોતાની કાર લઇને ચા પીવા માટે ઉભા રહયા હતા. તે દરમિયાન કારમાં ધસી આવેલા આસીફ, સમીર, આમીર અને જમાલ સહીતના 3 અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી અને હાથમાં પહેરવાના કડા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પુછપરછમાં ઇજાગ્રસ્ત બંને યુવાન પ્યારો સર્વિસના નામે કેટરર્સનો ધંધો કરે છે અને હુમલાખોર શખ્સો પણ અગાઉ ઇજાગ્રસ્ત યુવાન સાથે કેટરર્સનો ધંધો કરતા હતા. અગાઉ દોઢ મહીના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે આરોપીએ ઇજાગ્રસ્ત સોહમસિંગ અને તેની પત્ની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે ઝઘડાનો ખાર રાખી હુમલાખોર શખ્સોએ મધરાત્રે બંને યુવક પર હુમલો કર્યો હતો અને રૂ.પ500 ભરેલુ જેકેટ, મોબાઇલ અને કારની ચાવીની લુંટ ચલાવી નાસી છુટયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.