ગુજરાત

ખંભાળિયામાં સવા બે ઈંચ, ભાણવડમાં અઢી ઇંચ વરસાદ

Published

on

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ત્યારે ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે થી ચાર દરમિયાન સવા બે ઈંચ (55 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાણવડમાં બપોરે ચાર થી છ દરમિયાન મુશળધાર અઢી ઈંચ (63 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે દ્વારકામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ખંભાળિયા શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ગઈકાલે વીજળીના ગળગળાટ સાથે આકાશી વીજ ત્રાટકના બનાવોમાં અનેક સ્થળોએ આકાશી વીજ ત્રાટકી હતી. ખંભાળિયાની મેઈન બજારમાં આકાશી વીજ પડતા અનેક વીજ ઉપકરણો બળી ગયા હતા. ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના આ મુશળધાર વરસાદના પગલે ભાણવડ તાલુકામાં આવેલા વર્તુ- 2 ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી કેળવવા તંત્ર દ્વારા અવગત કરાયા હતા.


છેલ્લા બે દિવસના આ વરસાદથી અનેક સ્થળોએ મગફળી સહિતના પાકોને નુકસાની થયા પામી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારે સૂર્યનારાયણના દર્શન થયા હતા. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 94 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા 88 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 80 ઈંચ અને ભાણવડ તાલુકામાં પોણા 67 ઈંચ વરસાદ વરસી ગયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 265 ટકા જેટલો થવા પામ્યો છે.


હાલ ચોમાસાના અંતિમ દિવસો માનવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગઈકાલે અષાઢી રંગ ઘુંટાયો હોય તેવી પરિસ્થિતિ વચ્ચે જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના 15 ડેમમાંથી 10 ડેમ ઓવરફ્લો જઈ રહ્યા છે. જેમાં ઘી, સિંહણ, વેરાડી 1, વેરાડી 2, વર્તુ 1, મીણસાર, સોનમતી, કબરકા અને સોઢા તરઘરી ડેમનો સમાવેશ થાય છે. વર્તુ 2 ડેમના દરવાજાઓ ખોલવામાં આવતા હેઠવાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.


ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સદી ભણી જવા પામ્યો છે. ત્યારે ખંભાળિયાથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા ભાણવડમાં હાલ 66 ઈંચ વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version