Site icon Gujarat Mirror

ગોંડલમાં ધો.9ની બે છાત્રા સ્કૂલે પરીક્ષા આપવા ગયા બાદ ગુમ

બન્ને સગીરા છેલ્લે કોલેજ ચોક પાસે જોવા મળી

ગોંડલ શહેરમાંથી ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ ગઈ છે. મંગળવારે શાળાએથી પરીક્ષા આપીને નીકળ્યા બાદ તેઓ ઘરે પરત ન ફરતા પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી છે. વાલીઓએ સગા-સંબંધીઓને ત્યાં તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલની એક શાળામાં ધોરણ 9ની પરીક્ષાઓ ચાલી રહી છે. મંગળવારે પેપર આપવા ગયેલી આ બંને સખીઓ નિર્ધારિત સમયે ઘરે ન પહોંચી હતી. મોડે સુધી દીકરીઓનો પત્તો ન લાગતા વાલીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂૂ કરી છે. પોલીસે શાળાથી લઈને શહેરના મુખ્ય માર્ગોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં બંને સગીરાઓ છેલ્લે કોલેજ ચોક સુધી સાથે જોવા મળી હતી. જોકે, કોલેજ ચોક પછી તેઓ કઈ તરફ ગઈ તે અંગે કોઈ કડી મળી નથી. પોલીસે આ મામલે અપહરણ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પર પણ વોચ ગોઠવવામાં આવી છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ છે. જો કોઈને આ સગીરાઓ વિશે કોઈ માહિતી મળે, તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Exit mobile version