હોટેલ-ફલોર સહિતની માહિતી લીક, રોકેટ લોન્ચરથી ઉડાવી દેવાના ભયે કેટરિંગના ટ્રકમાં છૂપાવી બચાવી લેવાયા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તુર્કી પ્રવાસ દરમિયાન તેમની રજેરજની માહિતી ઈરાન પાસે પહોંચી ગઈ હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. અમેરિકન ઇન્ટેલિજન્સ અહેવાલો અનુસાર, ઈરાનને ટ્રમ્પ કયા હોટેલમાં અને કયા ફ્લોર પર રોકાયા હતા તેની ચોક્કસ માહિતી મળી ગઈ હતી. આ માહિતી એટલી વિગતવાર હતી કે સિક્રેટ સર્વિસને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવો પડ્યો હતો.
સાથે સાથે ઈરાન તરફથી સપાટીથી હવામાં મારી શકાય તેવી મિસાઈલ અને ખભા પરથી ચલાવાતી(shoulder-fired) રોકેટ લોન્ચરની ગંભીર ધમકી પણ ઓળખાઈ હતી. આ જોખમને લઈને સિક્રેટ સર્વિસે તાત્કાલિક ગુપ્ત કામગીરી હાથ ધરી હતી. નાટો સમિટ પૂરી થયા બાદ ટ્રમ્પને જૂના એર ફોર્સ વનમાંથી સીધા નાના વિમાનમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રમ્પ અને તેમના નજીકના સહાયકોને એર ફોર્સ વનમાંથી કેટરિંગના ટ્રકમાં છુપાવીને નાના એર ફોર્સ સી-32એ વિમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આ કામગીરી એટલી ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી હતી કે પ્રેસ અને અન્ય અધિકારીઓને પણ તેની જાણ ન થઈ હતી. જૂનું એર ફોર્સ વન ડિકોય તરીકે વપરાયું હતું, જેમાં પ્રેસ અને કેટલાક કેબિનેટ સભ્યો રહ્યા હતા. આ વિમાનને જ હુમલાનું સંભવિત નિશાન માનવામાં આવતું હતું.
ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનો, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ નેટલી હાર્પ અને વોલ્ટ નૌટા હતા. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ અલગથી નાના વિમાનમાં ચઢ્યા હતા. અન્ય વરિષ્ઠ મંત્રીઓ જૂના વિમાનમાં જ રહ્યા હતા, જેને લઈને પછીથી સુરક્ષા પ્રોટોકોલ અંગે પ્રશ્નો ઉઠ્યા છે.
ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, હું સિક્રેટ સર્વિસનું કહ્યું માનું છું. તેઓ મને અલગ વિમાનમાં જવા કહેતા હતા. તેમણે કહ્યું હતું કે જે વિમાનમાં તેઓ ગયા તે વધુ જોખમમાં હતું, કારણ કે હુમલો કરનારાઓ તેને જ નિશાન બનાવે તેવી શક્યતા વધુ હતી. પ્રમુખે વારંવાર કહ્યું છે કે ઈરાન તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો તેમની સાથે કંઈ થાય તો ઈરાન પર ભારે બોમ્બમારો કરવાની સૂચના તેમણે આપી છે. આ ઘટના બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓમાં ઈરાનની જાસૂસી ક્ષમતા અંગે ચિંતા વધી ગઈ છે.
